અમદાવાદના ધોળકા શહેરમાં પોલીસ કર્મીએ એક સગીરને લાકડીથી ફટકારવાની ઘટના સામે આવી છે. શહેરના પ્રહલાદ ગેટ ચોકીના પોલીસ કર્મીએ વર્દી વિના ફરજ પર રહીને દાદાગીરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પોલીસ કર્મીએ ગુંદરા વિસ્તારમાં જાહેરમાં સગીરને માર માર્યો હતો. પોલીસ કર્મીને રોકતા એક યુવકને પણ તેણે લાકડીથી ફટકાર્યો હતો. આ પોલીસ કર્મી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધોળકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી.


પોલીસ કર્મીએ બિપિનભાઈને પણ લાકડીથી માર માર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસ કર્મીઓની દાદાગીરીના અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સિવિલ ડ્રેસમાં રહેલો એક પોલીસ કર્મી સગીરને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. તે જ્યારે એક સગીરને મારતો હતો ત્યાર બિપિનભાઈ નામના વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં. તેમણે પોલીસ કર્મીને પુછ્યું હતું કે, છોકરાને કેમ મારો છો ત્યારે આ પોલીસ કર્મીએ બિપિનભાઈને પણ લાકડીથી માર માર્યો હતો. આ પોલીસ કર્મી નશામાં ધૂત હોવાનું લોકો જણાવી રહ્યાં છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ

બિપિનભાઈ નામના વ્યક્તિને પોલીસ કર્મીએ માર મારતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતાં અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ફરિયાદી દ્વારા ગઈ કાલે રાત્રે ધોળકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી. એક પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં જાહેરમાં લોકોને માર મારવામાં આવે તે કેટલું યોગ્ય છે અને મારવાનો હક તેને કોણે આપ્યો તેવા અનેક સવાલો ઉભા થયાં છે. પોલીસમાં અરજી થતાં અને ઘટનાનો વીડિયો વાયરલ થતાં અમદાવાદ ગ્રામ્ય એસ.પી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


  • Follow us on: