- મેહુલ નામનો 21 વર્ષીય આરોપી સોલા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર
- આરોપી કુદરતી હાજતે જવાના બહાને થયો ફરાર
- પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી
એક તરફ ફરાર મહિલા પોલીસ કર્મીએ પોલીસનું જ નાક કાપ્યુ છે. તેવામાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં સોલા પોલીસે ઝડપેલા આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કુદરતી હાજતે જવાના બહાને આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. જેથી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તેની તપાસ શરુ કરી છે.
આરોપીની 10 જુલાઈના રોજ સોલા પોલીસે કરી હતી ધરપકડ
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં જ્યાં 21 વર્ષીય મેહુલ નટવરભાઈ પરમાર નામના આરોપીની સોલા પોલીસે 10 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. જે આરોપી આજે વહેલી સવારે કુદરતી હાજતે જવાના બહાને બાથરૂમની બારીમાંથી ફરાર થયો છે. ફરાર થયેલા આરોપી સામે અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. રિમાન્ડ દરમિયાન શનિવારે સવારે મેહુલ પરમાર લોકઅપમાં હતો અને તેણે પીએસઓને લોકઅપની અંદરનું ટોયલેટ બ્લોક થઈ ગયુ હોવાનું જણાવતા ફરજ પર હાજર હેડ કોન્સ્ટેબલે તેને લોકઅપમાંથી બહાર કાઢી પોલીસ કર્મીઓના ટોયલેટમાં કુદરતી હાજત માટે મોકલ્યો હતો. જ્યાં દસ મિનિટ સુધી તે બહારના આવતા પોલીસને શંકા જતા દરવાજો ખોલીને જોતા મેહુલ પરમાર બારીની ગ્રીલ તોડીને ફરાર થઈ ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું.
ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી
ફરજ પર હાજર પોલીસ કર્મીએ આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરતા પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ગુનામાં ઝડપાયેલા આરોપી સામે ગત જુન મહિનામાં એક ગુનો નોંધાયો હતો, જેમાં તે સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે મામલે સોલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી વસ્ત્રાલ વિસ્તારમાં બાંધકામની સાઈટ ઉપર હોવાની માહિતીના આધારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બનતાની સાથે જ પોલીસે આરોપીને પકડવા અલગ-અલગ દિશામાં શોધખોળ હાથ ધરી છે.
પોલીસ આરોપીને ક્યારે પકડશે તે એક સવાલ?
મહત્વનું છે કે થોડાક સમય પહેલા ખાડિયાના કુખ્યાત મર્ડરના આરોપી મોન્ટુ નામદારની પણ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ઘટના સામે આવી હતી, જોકે તે કેસમાં પોલીસ કર્મીઓની સંડોવણી હોવાથી પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી તો બીજી તરફ કચ્છ પોલીસના કબ્જામાંથી નીતા ચૌધરી નામના મહિલા પોલીસ કર્મી ફરાર છે. જેને પોલીસ શોધી શકી નથી તેવામાં બળાત્કારના ફરાર આરોપીને પોલીસ ક્યારે ઝડપી પાડે છે તે જોવુ મહત્વનું છે.