15 જૂન, 2006એ એલિસબ્રીજ જીમખાના પાસે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા થઇ હતી. દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે. પંકજ ત્રિવેદી હત્યા કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને ફટકારી આજીવન કેદ
મળતી માહિતી મુજબ, પંકજ ત્રિવેદી મૂળ NRI હતા. ગુજરાત ભૂકંપમાં લોકોને મદદ કરવા કરોડોનું ફંડ વિદેશથી ઉઘરાવ્યું હતું. તેના વપરાશના કોઈ ચોક્કસ હિસાબ સ્વાધ્યાય પરિવારે આપ્યા નહોતા. સ્વાધ્યાય પરિવારમાં ચાલતી ગેરરીતિઓ અંગે પંકજ ત્રિવેદીએ અવાજ ઉઠાવ્યો હતો. જેથી સ્વાધ્યાય પરિવાર સાથે સંકળાયેલા લોકોએ જ 15 જૂન, 2006 એ એલિસબ્રીજ જીમખાના પાસે પંકજ ત્રિવેદીની હત્યા કરી નાંખી હતી. આખરે ચકચારી પંકજ ત્રિવેદી હત્યા મામલે 2009માં દાખલ થયેલા કેસનો 16 વર્ષે ચુકાદો આવ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદ ફટકારી છે.
10 આરોપીઓના નામની વિગતો
પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં કોર્ટે 10 આરોપીને દોષિત ઠેરવ્યા બાદ હવે સજા ફટકારી છે. જેમાં આરોપી ચંદ્રસિંહ જાડેજા, હિતેશ સિંહ ચુડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચુડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી, જશુભાઈ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
કેમ અને કેવી રીતે હત્યા થઇ?
પંકજ ત્રિવેદી અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા હતા તેમણે અમદાવાદમાં આવી જયશ્રી તલવરકરની રીત રસમો સામે જંગ છેડયો હતો. પંકજ ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારના જયશ્રી દીદીની રીત રસમો સામે અને ભ્રષ્ટાચાર સામે જંગ છેડતા તેમને અવારનવાર મોતની ધમકી મળી હતી, તેમ છતાં પણ તેમને પોતાનો જંગ ચાલુ રાખ્યો હતો અને સ્વાધ્યાય પરિવારના ભ્રષ્ટાચારો સામે 25થી વધારે જુદા જુદા દાવા દાખલ કર્યા હતા. દરમિયાન 15 જૂન 2006ના રોજ એલિસબ્રિજ જિમખાના નજીક પંકજ ત્રિવેદી કારમાંથી ઉતરતા જ આરોપીઓએ તેમને પાછળથી માથાના ભાગે બેઝ બોલનું બેટ મારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.













