ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરી ખૂબ જ વધી રહી છે. ગુજરાતમાં સુરત, અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીઓ ઝડપાતા હોય છે. આરોપીઓને જાણે પોલીસનો ડર ન હોય તેમ ડ્રગ્સ, ચરસ અને ગાંજાનું વેચાણ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો અમદાવાદમાંથી પણ એક આવી ઘટના સામે આવી હતી. અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમની સામે SOGએ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
3 આરોપીઓ પાસે ડ્રગ્સ ઝડપાયું
અમદાવાદ SOGએ 11 લાખના એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીની અટકાયત કરી છે. અમદાવાદ SOG દ્વારા મેન્ટર પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ છે. આ મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જે પેડલર છે. તેમની ગતિવિધિ પર નજર રાખવા માટે એક પોલીસ કર્મીને તૈનાત કરવામાં આવે છે. જે તેમની હિલચાલ પર નજર રાખે છે. જે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જૂના આરોપીઓની તપાસ દરમિયાન 11 લાખનું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું હતું. ઝડપાયેલા 3 આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હતા.
3 આરોપીઓ સામે કાર્યવાહી
અમદાવાદ SOGએ દાણીલીમડા વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. SOGએ 3 આરોપીઓ પાસેથી 109 ગ્રામ 710 મિલિગ્રામનો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. તો 3 આરોપીઓ પૈકી મૌઇન નામના આરોપી પાસેથી અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું હતું. તો વર્ષ 2022-2023માં આરોપી મોઇન વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ SOGએ 3 આરોપીઓ પાસેથી કુલ 11 લાખનું ડ્રગ્સ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.