સામાન્ય રીતે વરસાદ વરસે એ ખેડૂતોને પ્રિય અને ગમતી બાબત હોય છે પરંતુ અમરેલી જિલ્લાનો કમોસમી વરસાદ ખેડૂતો માટે વેરી બન્યો છે અને પાકને નુકસાન કરી ખેડૂતોને પાયમાલ કરી દીધા છે સંદેશ ન્યુઝની ટીમ દ્વારા સાવરકુંડલા વિસ્તારના કરજાળા અને આસપાસના ખેતરોનું રિયાલિટી ચેક કર્યું હતું.


કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી

હવામાન ખાતાની આગાહી મુજબ અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે આ વરસાદ ખેડૂતોનો વેરી બની ગયો છે. ખેડૂતોએ હોશે હોશે સારું વળતર મળે એ હેતુસર ખાતર બિયારણ દવા અને મજૂરી ખર્ચ કરીને ડુંગળી, તલ, બાજરી, કેળા અને મગ જેવા પાકોનું વાવેતર કર્યું છે. તેમ જ આ વર્ષે આંબામાં ખૂબ સારો મોર આવ્યો એટલે આંબામાં પણ ખૂબ સારું ઉત્પાદન આવશે એ હેતુસર ખેડૂતોના હરખનો પાર નતો રહ્યો. પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે અને ખેડૂત તેમજ તેમના પરિવારમાં પારાવાર નિરાશા જોવા મળી રહી છે. ખાસ કરીને સંદેશ ન્યુઝની ટીમે સાવરકુંડલા વિસ્તારના કરજાળા સીમરણ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું હતું.

ડુંગળીનો પાક પાણીમાં ગરકાવ

સાવરકુંડલા વિસ્તારમાં 11000 હેક્ટરમાં ખેતી પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને ગણતરીની કલાકો અને દિવસોમાં જ આ પાક ખેડૂતોના ઘરમાં આવી જવાની તૈયારીમાં હતો. ત્યારે અચાનક જ સતત કમોસમી વરસાદના કારણે આ પાક પાણીમાં ઘરકાવ થઈ ગયો જેમાં ખાસ કરીને લાખો રૂપિયાની કમાણી કરી આપનાર સફેદ ડુંગળી એ ખેડૂતોને ખૂબ જ રડાવ્યા છે. ડુંગળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો અને ભાવ પણ બેસી ગયા હતા.

ખેડૂતોનો ઉભો પાક પાણીમાં ગરકાવ

આ સિવાય આંબાના પાકને જોઈને ખેડૂતો હરખાઈ ગયા હતા ત્યારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો અને કેરીઓ પણ જમીન દોસ્ત થઈ ગઈ હતો. તલના પાકની વાત કરવામાં આવે તો ખેડૂતોએ તલ વાઢીને ઉભડા કરી દીધા હતા. પરંતુ એ પણ નિષ્ફળ ગયા આમ કોઈપણ પ્રકારનો ખેડૂતોને પાક બચાવવા માટે સમય ન રહો અને ખેડૂતો કંઈક કરી ન શકે તેવી પરિસ્થિતિમાં જગતનો તાત નિરાશ થઈ ગયો હતો. ખેતીપાકનું ઉત્પાદન નિષ્ફળ જાય એટલે તેની અસર સમગ્ર સમાજ ઉપર પડતી હોય છે. જોકે ખેડૂતો સારા વળતરની અપેક્ષા રાખી રહ્યા છે અમરેલી જિલ્લામાં ફક્ત સાવરકુંડલા તાલુકામાં જ 37 ટીમો દ્વારા તાલુકાના ગામડાઓના ખેતરો ખૂંદીને સર્વે તો કરાયું પરંતુ ખેડૂતોને સારું વળતર નહીં મળે તો આગામી પાક માટે ખેડૂતો પાસે ઊભી થયેલી નાણા ભીડનું લેવલ કરવું અશક્ય બની રહ્યું છે.

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આ વ્યાપક નુકસાની થયા બાદ સંદેશ ન્યુઝની ટીમે તાલુકા ખેતીવાડી અધિકારીની મુલાકાત કરી અને તેમની પાસેથી વાવેતર સર્વે અને નુકસાની માટેની વિગતો મેળવી હતી. ખેડૂતોએ ન ધાર્યું હોય અને ન વિચાર્યું હોય તેવું કમોસમી વરસાદી વાવાઝોડાથી પારાવાર નુકસાનીથી ખેડૂત અને ખેતી બંને પાયમાલ થઈ ગયા છે ત્યારે હવે આ જગતના તાતના આંસુ લૂછવા અને ખેડૂતને બેઠો કરવા માટે સરકાર કેવી કેટલી અને ક્યારે મદદરૂપ બનશે તે જોવાનું રહેશે.


  • Follow us on: