બોટાદ કલેક્ટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સચિવ ડી.ડી.કાપડીયા (નિવૃત્ત આઈ.એ.એસ)ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષે બોટાદ વહીવટી તંત્ર દ્વારા બાળ અધિકારોના રક્ષણ, શિક્ષણ,પોષણ, બાળ સંરક્ષણ ગૃહો, આરોગ્ય,પુનઃ વસન, વિવિધ એક્ટની પરિણામલક્ષી કામગીરી તથા વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ સહિતના મુદ્દે કરેલી કામગીરીની સમીક્ષા કરીને ભવિષ્યમાં વધુ સારા હકારાત્મક પરિણામ લાવવા પર ભાર મુકીને માર્ગદર્શન સાથે જરૂરી સુચનો આપ્યાં હતાં.


બાળ લગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી

આ અવસરે બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભરત વઢેરની કામગીરીને બિરદાવી મોમેન્ટો અર્પણ કરાયો હતો. બેઠકમાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળ સંરક્ષણ ગૃહોમાં બાળકોની સંખ્યા, વ્યવસ્થાપન તેમનાં શિક્ષણ તથા સુરક્ષાને લઈ વિગતો મેળવી સંરક્ષણ ગૃહોની સુરક્ષા વધુ મજબૂત કરવા ખાસ સુચન કર્યું હતું. આ સાથે તેમણે બોટાદમાં બાળકોનાં પુનઃવસનની કામગીરીની સરાહના કરી હતી. તેમણે બેઠકમાં ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની કામગીરી, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ તથા સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ અંતર્ગત પોક્સો,બાળ લગ્ન,બાળ મજૂરી, ભિક્ષાવૃતિ, બાળ તસ્કરી સહિતનાં કેસ નિકાલની સ્થિતિ અંગે જાણકારી મેળવી ખાસ કરીને બાળકોમાં ગુનાખોરી, બાળ લગ્ન ન થાય તે માટે જાગૃતિ કાર્યક્રમ યોજવા સૂચના આપી હતી.

બોટાદને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવાનો સંકલ્પ

બોટાદમાં બાળ મજૂરી અંગે વિગતો મેળવીને તેને રોકવા માટે રેસ્ટોરેન્ટ, હોટેલ સહિતનાં સ્થળે ચાઇલ્ડ લેબર એક્ટના બેનર મુકવા તથા લેબર ઓફિસ દ્વારા નિયમિત આકસ્મિક મુલાકાત કરવા સાથે બોટાદને ચાઇલ્ડ લેબર મુક્ત જિલ્લો બનાવવાનાં સંકલ્પ સાથે કામગીરી કરવા પર ભાર મુક્યો હતો. આ તકે બાળ આયોગના સભ્ય કમલેશભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: