તાપીના વ્યારામાં એક પત્ની પીડિત ડોકટરે પોતાના જ દિકરા સામે પોલીસ ફરિયાદ કરી છે. કૌટુંબિક ખટરાગને લઈને ભરણપોષણ આપી વર્ષોથી પત્ની અને સંતાનોથી અલગ રહેતા ડોકટરની પત્ની અને સબંધીઓ એ એકાએક આવી ઘર અને કાર સહિતની મિલકતો પર કબજો કરી લીધો હતો. અને પોતાની કાર લેવા ગયેલા ડોકટરના પુત્ર એ ડોકટરની સાથે મારપીટ કરતા પત્ની પીડિત ડોકટરે પોલીસનું શરણું લીધું છે.
પત્ની રિસાઈને ચાલી ગઈ
મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને ડાંગ જિલ્લામાં આરોગ્ય શાખામાં તબીબી અધિકારી ડો. દિલીપ શિવપૂજન શર્મા વ્યારાના તળાવ રોડ પર આવેલી સિલ્વર લેક સોસાયટીના બંગલા નં ૩ માં રહેતા હતા. ડો. દિલીપ શર્માના લગ્ન વર્ષ ૨૦૦૦ ની સાલમાં બિહારની જ સ્વાતિ શર્મા સાથે થયા હતા. તેમને સંતાનોમાં બે છોકરા અને એક છોકરી છે. પરંતુ કૌટુંબિક ખટરાગ ને કારણે વર્ષ ૨૦૧૩ થી પત્ની સ્વાતિ ત્રણેય સંતાનોને લઈને બિહાર પોતાના પિયર જતી રહી હતી.
પત્ની અને પુત્રનો ડોક્ટર પર અત્યાચાર
જો કે કોર્ટે દ્વારા ભરણ પોષણ રૂ. ૪૫ હજાર નક્કી થતા ડો.દિલીપ શર્મા નિયમિત ભરણપોષણ ચૂકવી દેતા હતા. પરંતુ ગત ૬ ઓકટોબર ૨૦૨૪ ના રોજ તેમની પત્ની સ્વાતિ તેના પરિવાર અને બીજા અજાણ્યા ઈસમો સાથે આવી ડો. દિલીપ શર્માના બંગલામાં ઘુસી ગઈ હતી અને ડો. દિલીપ શર્મા સાથે બધાએ મળી મારઝૂડ કરી હતી અને ઘરની બહાર કાઢી મૂક્યા હતા.
સરકારી નોકરી કરતા ડોકટરને આવવા જવામાં તકલીફ પડતી હોવાના કારણે જાન્યુઆરીની ૨૪ તારીખે પોતાના ઘરે મુકેલી પોતાની જ માલિકીની કાર લેવા ગયા હતા. તો મોટા પુત્ર અનિમેશે ડોકટર દિલીપ સાથે મારઝૂડ કરી ડોકટરની ગળું દબાવી દેતા ડોકટરની શ્વાસ રૂંધાઇ ગયો હતો. મોટા દીકરા અનીમેશે ગાળાગાળી કરી "હવે પછી અહી આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ ડોકટર વ્યારાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા અને ન્યાય મેળવવા પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
સંબંધના સમીકરણ બદલાયા
હિંદુ સંસ્કૃતિમાં જ્યાં પતિને દેવતા માનવામાં આવે છે. તેમજ પિતાને ગુરુ અને ભગવાન માની પૂજન કરાય છે. ત્યાં આજની પત્નીઓ પતિને કમાણીનું સાધન માનવા લાગી છે. યેનકેન રીતે પતિ પર દોષારોપણ કરી ભરણપોષણ મેળવે છે, જ્યારે આજના સંતાનોને ફક્ત પિતાની મિલકત સાથે જ પ્રેમ છે. આ કિસ્સામાં પણ ડોક્ટર પોતાની પત્ની અને પુત્રનું ભરણપોષની ચૂકવણી કરવા હોવા છતાં પણ તેમની સાથે મારઝૂડ કરવામાં આવે છે. આજે સંબંધના સમીકરણ બદલાયા છે. સંબંધમાં સન્માનની ભાવના નામશેષ થવા લાગી છે.