- વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે અને વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કાર્યરત
- ડૉ. હર્ષદ પટેલનું છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય યોગદાન
- ગુજરાત વિદ્યાપીઠના 17 મા કુલપતિ બન્યા છે
ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. ડૉ. હર્ષદ એ. પટેલ ગુજરાત વિદ્યાપીઠના 17 મા કુલપતિ બન્યા છે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હીની અધિસૂચના; વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ વિનિયમ 2019 થી ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. હર્ષદ એ. પટેલની નિમણૂક કરી છે. ડૉ. હર્ષદ પટેલ કાર્યભાર સંભાળે ત્યારથી પાંચ વર્ષની મુદત માટે તેમની નિમણૂક કરવામાં આવી છે.
ગૂજરાત વિદ્યાપીઠ મંડળના મંત્રી તરીકે સેવાઓ આપી રહેલા ડૉ. હર્ષદ એ. પટેલ ગૂજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષથી સેવાઓ આપી રહ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્યરત ડૉ. હર્ષદ એ. પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે.














