- સાવલી કોર્ટનો મહત્વનો આદેશ
- જૂથ અથડામણના આરોપીઓને આપ્યા જામીન
- પોલીસની 5 દિવસની રિમાન્ડની માગણીને ફગાવી
સાવલીના મંજુસર ગામે ગત 28 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યાત્રામાં થયેલી જૂથ અથડામણના આરોપીઓને કોર્ટે જામીન આપ્યા છે. પોલીસની રિમાન્ડની માગણીને ફગાવતા સાવલી જ્યુ. કોર્ટે આ આદેશ આપ્યો હતો.
મંજુસરમાં થઈ હતી અથડામણ
નોંધનીય છે કે ગત 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં અનંત ચર્તુદશીનો તહેવાર હતો. રાજ્યમાં ખૂણે ખૂણે ગણપતિ બાપ્પાને ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ દરમિયાન કેટલીક જગ્યાઓ પર હિંસક અથડામણ અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. આવી જ એક ઘટના સાવલીના મંજુસર ગામે પણ બની હતી. જેમાં ગણપતિ બાપ્પાની વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે બાદ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેના પગલે વાતાવરણમાં તંગદિલી વ્યાપી જતા સાવલીમાં પોલીસ કર્મચારીઓના ધાડા ઉતરી આવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળી હતી.
ગણેશ વિસર્જન દરમિયાન બની હતી
ગણેશ વિસર્જનની યાત્રા દરમિયાન બનેલી આ ઘટનાને પગલે એક ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે કાર્યવાહી કરતા યાસીન વાઘેલા, મહંમદ વાઘેલા, કિરણ વાઘેલા અને સમીર વાઘેલા નામના શખ્સોની ધરપકડ કરી હતી અને તેમના રિમાન્ડ મેળવવા માટે તેમને સાવલી કોર્ટમાં હાજર કર્યા હતા.
કોર્ટે આપ્યા જામીન
જો કે સાવલી કોર્ટે અવલોકનમાં પોલીસની રિમાન્ડ અરજીને ફગાવતા એડવોકેટ ડીસી રાઠોડની દલીલોનો ગ્રાહ્ય રાખી હતી અને તમામ શખ્સોને 25 હજારના જાતમુચરકા પર જામીન આપવાનો આદેશ કર્યો હતો. આ બધા ઘટનાક્રમ વચ્ચે મહત્વની વાત એ છે કે મંજુસર ગામમાં હાલમાં સંપૂર્ણ શાંતિ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે.