બનાસકાંઠાના ડીસા તાલુકાના જાવલ ગામે 6 દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હત્યા પાછળ પોતાના કાકાની દીકરીએ જ ભાઈની હત્યા કરાવી હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને ગણતરીની કલાકોમાં જ આરોપીઓ ઝડપાઈ ગયા હતા.જેમાં આજે હત્યાના ગુનાને અંજામ આપનાર આરોપીઓને રીકન્ટ્રક્શન માટે ડીસા તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા.


યુવકની કરાઈ ઘાતકી હત્યા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જાવલ ગામે 6 દિવસ અગાઉ હત્યાનો બનાવ સામે આવ્યો હતો.આ સમગ્ર હત્યા કેસમાં પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ હત્યા કેસની વિગતો જોઈએ તો 6 દિવસ અગાઉ ગણેશ પટેલ પોતાના માસીના ઘરે લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ખેતરમાં આવી સૂતા હતા. તે દરમિયાન તેમના કાકાની દીકરી અને તેના પ્રેમીએ ભેગા થઈ ગણેશ પટેલને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો હતો. જે દરમિયાન ગણેશ પટેલ પોતાના ખેતરમાં ખાટલા પર સૂતેલા હતા. તે દરમિયાન આ ત્રણે લોકો ગણેશભાઈના ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં તિક્ષ્ણ હથિયારો વડે માથાના અને શરીરના ભાગે ઘા મારતા ગણેશ પટેલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

ડીસા પોલીસે રીકન્ટ્રક્શન કરાવ્યું

બનાવના પગલે પરિવારજનો દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જે તપાસ દરમિયાન મૃતક ગણેશ પટેલના કાકાની દીકરીએ જ તેમની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસ તપાસ દરમિયાન ગણેશ પટેલ અને તેમના કાકાની દીકરીના સાટામાં લગ્ન કર્યા હતા. પરંતુ ગણેશ પટેલની કાકાની દીકરીને આ સાટા પદ્ધતિ પસંદ ન હતી અને ત્યારે અન્ય વ્યક્તિના પ્રેમમાં હોય. આ તમામ લોકોએ ભેગા થઈ ગણેશ પટેલની હત્યા કરી દીધી હતી. સમગ્ર હત્યા કેસમાં આજે આરોપીઓને ડીસા તાલુકા પોલીસ દ્વારા રીકન્ટ્રક્શન માટે જાવલ ગામમાં લાવવામાં આવ્યા હતા.

પરિવારજનોએ માંગણી કરી

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હત્યા કરનાર બંને આરોપીઓને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા અને આખી હત્યા કઈ રીતે કરી હતી? કયા કયા હથિયારો વાપર્યા હતા અને કેવી રીતે હત્યા કરી હતી તે તમામ સાક્ષી અને પંચો સાથે રાખી પોલીસ દ્વારા રિકન્ટ્રક્શન કરાયું હતું. આ ઘટનાને લઇ આરોપીઓને જોવા માટે હજારોની સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા. જેથી પોલીસ બંદોબસ્ત પણ વધારે ગોઠવવામાં આવ્યો હતો. આ અંગે મૃતકના પરિવારજનો જણાવ્યું હતું કે, સરકારને એક જ માંગ છે કે, આ હત્યા કરનાર ત્રણે આરોપીઓને આજીવન કેદ થાય અથવા તો ફાંસીની સજા આપવામાં આવે જેથી અન્ય કોઈ આવી ઘટનાને અંજામ ન આપે.


  • Follow us on: