બનાસકાંઠાના ભાભરમાં હાઈવે ઉપર થયેલી મારામારીની જીવલેણ ઘટનામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાભરમાં 30 એપ્રિલે થયેલા જીવલેણ હુમલા બાદ ઠાકોર સમાજની રેલી નીકળેલી અને જેમાં પાછળથી બજારોમાં તોડફોડને લઈ 70થી 80 લોકો વિરુદ્ધ ભાભર પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. ભાભર હાઈવે પર મારામારી અને જીવલેણ હુમલો થયો હતો. જેના પ્રત્યાઘાત ઠાકોર સમાજમાં પડતાં બીજા દિવસે ઠાકોર સમાજના યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા.


રેલીમાં રહેલા કેટલાક યુવાનોએ દુકાનો બંધ કરાવી હતી

તમામ યુવાનો આગેવાનો રેલી સ્વરૂપે ભાભર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આમ એકત્ર થયેલા અન્ય યુવાનો પૈકીના કેટલાક 70થી 80 યુવાનોએ ભાભરની બજારો બળજબરીપૂર્વક બંધ કરાવતાં અને દુકાનોના શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. ભાભર પોલીસ દ્વારા 70થી 80 ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી તેમનો સમાન ઈરાદો પાર પાડવા રોડ ઉપર ઉતરી આવ્યા હતા, આ મામલે પોલીસ ફરિયાદી બની વધુ તપાસ હાથ ધરી છે.

મારામારી કેસમાં 7 આરોપીની ધરપકડ, 30 લોકો સામે રાયોટિંગનો ગુનો

તમને જણાવી દઈએ કે આ ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ કહ્યું હતું કે, 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગાડી સાઈડ કરવા મુદ્દે મારામારી થઈ હતી. જાહેરમાં ધોકા અને લાકડીઓ લઈને હૂમલો કરાયો હતો. મારામારીની ઘટનામાં 2 જૂથના 5 લોકો ઘાયલ થયા હતા. 30 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ કોઈ જાતિ વચ્ચેનો ઝઘડો નથી. ગાડીની સાઈડ આપવા બાબતે મારામારી થઈ હતી. જેમાં પાંચ લોકોને ઈજા પહોંચી હતી. દરબાર અને ઠાકોર સમાજના બે જૂથો વચ્ચે ભાભર હાઈવે ઉપર જીવલેણ ઝઘડો થયો હતો. આ હુમલામાં ઠાકોર સમાજના ખાડીશણ ગામના પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. પોલીસે 9 લોકો સામે નામજોગ તેમજ 30 લોકોના ટોળા સામે 307 અને રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે આ ઘટનામાં 7 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: