રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટેનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે. જેને લઈ પંચાયતી આલમમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે, ઉમેદવારો દ્વારા એકબીજાને હંફાવવા માટે અત્યારથી જ સામ, દામ, દંડ, ભેદની નીતિઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ઈતિહાસમાં પ્રથમ વખત પેડાગરા ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ધાર કર્યો
પરંતુ આવી સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના પેડાગડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી ન થાય અને સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત તમામ વોર્ડના સભ્યોની બિનહરીફ વરણી થાય તે માટે ગામના આગેવાનો તેમજ ગ્રામજનો એક જ જગ્યાએ એકઠા થયા એક બેઠક યોજી અને ગામમાં રહેતા તમામ જ્ઞાતિના લોકો એક મંચ પર એકઠા થઈ આ વર્ષે ઈતિહાસમાં પ્રથમ વખત પેડાગરા ગ્રામ પંચાયતને સમરસ કરવાનો નિર્ધાર કર્યો છે. મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં પેડાગડા ગામે પંચાયતની ચૂંટણી સમયે મતદાન પ્રક્રિયા જ યોજાતી અને મતોની તાકાતથી સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો ચૂંટાઈ આવતા, પરંતુ આ ચૂંટણી પ્રક્રિયાને કારણે ગામોમાં ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે ખટરાગો ઉભા થતા, પરંતુ આજના આધુનિક યુગમાં ગામની સુલેહ શાંતિને વરેલા ગામના આગેવાનોએ નિર્ધાર કર્યો કે પેડાગડા ગામમાં ગ્રામજનોની એકતા જળવાઈ રહે, ગ્રામજનોમાં ભાઈચારાની ભાવના કેળવાય તે હેતુસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાની જગ્યાએ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત સભ્યો બિનહરીફ જ ચૂંટાઈ આવે.
સરકારનો ચૂંટણી ખર્ચ બચશે
જોકે ગામના આગેવાનો સહિત ગ્રામજનો એક મંચ પર એકઠા થયા અને ચર્ચા વિચારણા કરી ગામના લોકોએ સુરેશભાઈ ગઢવીને સરપંચ તરીકે તો ગામના ડો. કેતન જોશીને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરી ચૂંટી કાઢ્યા છે. મહત્વની વાત છે કે પેડાગડા ગ્રામ પંચાયતે 8 વોર્ડની ગ્રામ પંચાયત છે, જ્યાં 881 મતદારો છે. મહત્વની વાત તો એ છે કે આ નાનકડા ગામમાં અઢારે આલમના લોકો રહે છે. પરંતુ તેમ છતાં પણ અઢારે અઢાર આલમના લોકોએ એક સુર થઈ સરકારનો ચૂંટણી ખર્ચ બચી શકે અને ગામની એકતા જળવાઈ રહે તે હેતુસર પંચાયતને સમરસ કરી છે તો સાથે જ બિનહરીફ સરપંચ તરીકે નિર્ધારિત થયેલા સુરેશભાઈ ગઢવી અને ડેપ્યુટી સરપંચ તરીકે નિર્ધારિત થયેલા કેતન જોશીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અમે અમારા કાર્યકાળ દરમિયાન એવા કામો કરીશું કે જેથી પેડાગરા ગામનો ઈતિહાસ બદલાશે અને માત્ર આ વર્ષે પ્રથમ વખત નહીં, પરંતુ હવે આવનારા દિવસોમાં પેડાગરા પંચાયત સમરસ પંચાયત બની રહેશે.