બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રૂપિયા 94 કરોડથી વધુના ખર્ચે પાલનપુર શહેરને ભૂગર્ભ ગટરથી સજ્જ કરવાની કામગીરી ચાલી રહી છે અને આ ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન તંત્ર દ્વારા શહેરના અનેક માર્ગોને ખોદી દેવાયા છે. જોકે માર્ગો ખોદયા બાદ તેની અંદર ભૂગર્ભ ગટરની લાઈન તો નખાઈ ગઈ છે, પરંતુ તે બાદ હવે તંત્ર આ માર્ગોનું રીનોવેશન કરવાનું જ ભૂલી ગયું હોય તેમ આ માર્ગોને ખખડધજ હાલતમાં છોડી દેતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.


પાલનપુરના અનેક માર્ગો ખખડધજ હાલતમાં

સરકારના કરોડો રૂપિયાના ખર્ચે થઈ રહેલો સરકારનો આ વિકાસ જ શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને ગટર મુક્ત બનાવવા સરકારના 94 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે પાલનપુરમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ન હોય તેવા વિસ્તારોમાં રસ્તા ખોદી ભૂગર્ભ ગટરનું કનેકશન કરવામાં આવી રહ્યું છે. જોકે ભૂગર્ભ ગટરની કામગીરી કરતી એજન્સીઓ દ્વારા રસ્તા ખોદી ભુગર્ભ ગટર તો નખાય છે, પરંતુ તે બાદ આ રસ્તાઓનું રિનોવેશન કરવાની જગ્યાએ આ રસ્તાઓને તે જ સ્થિતિમાં છોડી દેવાયા છે અને તેને જ કારણે પાલનપુરના અનેક માર્ગો ખખડધજ હાલતમાં બન્યા છે.

મોટી માત્રામાં શહેરીજનો ધૂળ ખાવા મજબુર બન્યા

શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ ગઈને 6-6 માસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી આ વિસ્તારોમાં રોડ રીનોવેશનનું કામ પૂર્ણ કરવામાં નથી આવ્યું અને તેને જ કારણે ખખડધજ રોડ ઉપર દિવસ દરમ્યાન મોટી માત્રામાં શહેરીજનો ધૂળ ખાવા મજબુર બન્યા છે. જોકે મહત્વની વાત તો એ છે કે આ માર્ગો પરની ધૂળ એ માત્ર શહેરીજનો જ નથી ખાતા, પરંતુ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા અને પાલનપુરના ધારાસભ્ય જે વિસ્તારમાં નિવાસ કરે છે તે વિસ્તારની પણ આ જ સ્થિતિ છે. જેથી તંત્રની બેદરકારીની આ ધૂળ ધારાસભ્ય સહિત જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા પણ ખાઈ રહ્યા છે તેમ છતાં તંત્ર મુક્ત પ્રેક્ષક બની જોઈ રહ્યું છે.

6 મહિનાથી તંત્રને નથી મળ્યો સમય!

સામાન્ય રીતે સરકાર લાખો કરોડો રૂપિયા શહેરીજનોની માટે ફાળવતી હોય છે. પરંતુ તંત્ર અને એજન્સીઓની અણ આવડતને કારણે શહેરીજનોની સવલત માટે ફાળવાયેલા આ રૂપિયા જ શહેરીજનોની મુશ્કેલીઓ વધારી દે છે. આ ભૂગર્ભ ગટરની કામગીરી મોટેભાગે પાલનપુર નગરપાલિકા શહેરી વિસ્તારમાં થઈ છે. ત્યારે ભૂગર્ભ ગટરની કામગીરી પાછળ રોડોનું રિનોવેશનએ પાલિકાની જવાબદારીમાં આવે છે. પરંતુ પાલિકાના ચીફ ઓફિસરે તો નગરપાલિકા વિસ્તારમાં નખાયેલી ભૂગર્ભ ગટર લાઈનને લઈ હાથ અધ્ધર કરી દીધા છે. ચીફ ઓફિસરનું કહેવું છે કે આ કામ જીયુડીસીનું છે. જીયુડીસીને અમે એક અઠવાડિયા પહેલા રોડોનું રીનોવેશન માટે સૂચના આપી દીધી છે અને ટૂંક સમયમાં આ રોડોનું રીનોવેશન થઈ જશે. પરંતુ અહીં સવાલ એ થાય છે કે જે ભૂગર્ભ ગટર 6-6 માસ પહેલા નખાઈ ગઈ અને 6-6 માસથી રોડો ખખડધજ હાલતમાં છે. તેનું રિનોવેશન આજ સુધી થયું નથી, ત્યારે હવે પાલિકાના ચીફ ઓફિસરનો આ ટૂંક સમય ક્યારેય પૂર્ણ થાય છે અને ક્યારે આ રસ્તાઓનું રીનોવેશન થાય છે તે જોવું રહ્યું.

  • Follow us on: