ભરૂચના અંકલેશ્વર નજીક સ્થિત મૂલદ ટોલ પ્લાઝા પર ભૂમાફિયાઓનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક દિવસોથી ટોલ પ્લાઝાના બેરિયર તોડીને ભાગી જવાના ચાર બનાવો સામે આવ્યાં છે. એક ટ્રકના ચાલકે બેફામ રીતે વાહન હંકારીને મહિલા કર્મચારીના જીવને જોખમમાં મુક્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે આ ભૂમાફિયાઓને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું.


સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભરૂચમાં મુદલ ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોએ બેરિયર તોડ્યું હતું. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયા હતાં. પોલીસે આ ફરાર થયેલા પાંચ ટ્રક ચાલકોની ધરપકડ કરી હતી. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢીને માફી મંગાવી હતી. ટોલ પ્લાઝા પર લઈ જઈને પોલીસે આરોપીઓની માફી મંગાવી હતી. આરોપીઓ સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ

ઉલ્લેખનીય છે કે, ભરૂચ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે. તે છતાંય ભૂમાફિયાઓ બેફામ બન્યાં છે. ટોલ પ્લાઝાના બેરિયર તોડીને ફરાર થઈ જતા ભૂમાફિયાઓ સામે કાર્યવાહી નહીં થતાં ટોલ પ્લાઝા પરની સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયાં છે. કાર્યવાહી ચાલુ હોવા છતાં ભૂમાફિયાઓ દ્વારા કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે.


  • Follow us on: