અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવકનું અપહરણ કરી હત્યા કરનારા આરોપીઓ સામે શહેર પોલીસે કડક કાર્યવાહી કરી છે, ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા હોવાથી પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલી આરોપીની ગેંગ વિરુદ્ધ ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો છે. કોણ છે આરોપીઓ અને શું હતો સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.


એનડીપીએસ ટોળકી સામે પોલીસે કરી કડક કાર્યવાહી

અમદાવાદના સરખેજ-વેજલપુર વિસ્તારમાં હત્યા, મારામારી, દારૂ, જુગાર, ખંડણી, ડ્રગ્સ, સહિતના અનેક ગુનાઓ આચરનાર એનડીપીએસ ટોળકી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આરોપીઓએ 3 મહિનાં પહેલા 25 ફેબ્રુઆરીના રોજ એક યુવકની પૈસાની લેતીદેતીમાં અપહરણ કરી હત્યા કરી હતી, તે સમયે પોલીસે આરોપીઓને પકડીને જેલમાં પણ મોકલ્યા હતા, જે આરોપીઓમાં ફૈઝલખાન પઠાણ, રબનવાઝ પઠાણ, મુખ્તિયાર ગોરી, મુસ્તુફા શેખ અને આમીન મેમણ સામે પોલીસે ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો છે. આરોપીઓ ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને એનડીપીએસ ગેંગ તરીકે ઓળખ આપી સંખ્યાબંધ ગુનાઓ આચર્યા હોવાથી આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.

અનેક ગુનાઓ આરોપીઓ વિરૂદ્ધ નોંધાયેલા

વેજલપુરની સારા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય મુજમ્મિલ વડગામાએ સરખેજના ફૈઝલખાન પઠાણ પાસેથી 1 લાખ 60 હજાર રૂપિયા ઉછીના લીધા. ગત 25 ફેબ્રુઆરીએ મુજમ્મિલ વડગામાનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ ભેગા મળી મુજમ્મિલ વડગામાને પ્લાસ્ટિકની પાઇપ અને લાકડાથી માર મારી હત્યા નિપજાવી હતી. જે ગુનામાં આરોપીની ધરપકડ કરી તપાસ કરતા ફૈઝલખાન પઠાણ સામે દાણીલીમડા, વેજલપુર, એસઓજી સહિતનાં 14 ગુનાઓ નોંધાયા છે, જ્યારે રબનવાઝ પઠાણ સામે વેજલપુરમાં જુગારનો અને એસઓજીમાં હથિયારનો ગુનો નોંધાયો છે, મુખ્તિયાર ગોરી સામે સરખેજ, એસઓજીમાં ડ્રગ્સ અને હથિયારનાં ગુના નોંધાયેલા છે.

ગુજસીટોકની કલમ ઉમેરવામાં આવી

મુસ્તુફા શેખ સામે વેજલપુર, અને ક્રાઈમ બ્રાંચ અને એસઓજીમાં 8 ગુના નોંધાયેલા છે, આમીન મેમણ સામે વેજલપુર, સરખેજ અને એસઓજી તેમજ સુરતમાં ગુનાઓ નોંધાયેલા છે, જેથી આ ગેંગ સામે કાયદાનો ગાળિયો કસવા માટે આ ગુજસીટોકની કલમ ઉમેરવામાં આવી છે. તેવામાં આગામી સમયમાં હત્યા કેસની ચાર્જશીટમાં આ કલમો હેઠળ કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વનું છે કે વિસ્તારમાં એનડીપીએસ ગેંગ તરીકે ઓળખતા આ આરોપી વિરુદ્ધ ગુજસીટોકની કલમો હેઠળ કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જેથી આરોપી લાંબો સમય જેલમાં રહે અને તેમના ગુનાનો આતંક અટકી શકે, તેથી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે.

  • Follow us on: