અમદાવાદમાં વધુ એક ડ્ગ્સ પેડલર ઝડપાયો છે. શહેરના એસજી હાઈવે પર ડ્રગ્સનો વેપલો ચલાવતા પેડલરને પોલીસે ઝડપી લીધો છે. આરોપી પાસેથી પોલીસે રુપિયા 3.71 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. છેલ્લા બે વર્ષથી ડ્રગ્સનો વેપલો ચલાવનાર કોણ છે આ પેડલર અને ચંડોળા તળાવ સાથે શું છે કનેક્શન જુઓ આ ખાસ અહેવાલમાં.
પોલીસે 37 ગ્રામ ડ્ગ્સનો જથ્થો કબજે કર્યો
સરખેજ પોલીસે આરોપી કાજીમઅલી ઉર્ફે મુન્નુ બાપુ ઉર્ફે વસીમ લંબુ સૈયદની ધરપકડ કરી છે. જેની ઝોન 7 સ્કોડની ટીમે એસજી હાઈવે પરથી ધરપકડ કરી છે. આરોપી એસજી હાઈવે પર ડ્ગ્સનું વેચાણ કરી રહ્યો હતો. તે અંગેની ઝોન 7 સ્કોર્ડને બાતમી મળી હતી. એસજી હાઈવે પર નવી બનતી સાઈટ પર આરોપી ડ્રગ્સનું વેચાણ કરે છે. જેથી પોલીસે રેડ કરતા 3.71 લાખની કિંમતનો 37 ગ્રામ ડ્ગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આરોપી પાસેથી એક ઈલેકટ્રીક વજન કાંટો, પ્લાસ્ટીકની જીપર બેગ, બે મોબાઈલ અને રૂપિયા 14,000 રોકડા જપ્ત કર્યા છે. આરોપી ડ્રગ્સ પેડલર તરીકે છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સનો વેપલો કરતો હોવાનું તપાસમાં ખુલ્યુ છે. સાથે જ આ ડ્રગ્સનો જથ્થો તે ચંડોળા ખાતેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.
જેલમાંથી છુટયા બાદ આરોપીએ ફરી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ડ્રગ્સ પેડલર કાજીમઅલી મકરબાનો રહેવાસી છે. જે ચંડોળા તળાવથી રુપિયા 9,000માં 5 ગ્રામ ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને એક એક ગ્રામની જીપર બેગમા ભરીને રૂપિયા 2200થી 2500માં વેચાણ કરતો હતો. આ ડ્રગ્સ પેડલરને એસઓજીએ અગાઉ પણ ડ્ગ્સ કેસમાં ધરપકડ કરી હતી. જેલમાંથી છુટયા બાદ તેણે ફરી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો છે. આરોપી વિરૂદ્ધ અગાઉ શાહપુરમાં હત્યાનો પ્રયાસ, એસઓજીમાં એનડીપીએસનો ગુનો અને વેજલપુરમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. આરોપી બે વર્ષથી ડ્રગ્સ પેડલર બનીને ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી કરે છે. ઝોન 7 એલીસીબીએ આરોપીને સરખેજ પોલીસને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી
સરખેજ પોલીસે ડ્રગ્સ કેસમાં આરોપી કાજીમઅલીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીના મોબાઈલમાં ડ્રગ્સ પેડલર અને ગ્રાહકોની ડિટેઈલ્સ મળી આવતા તેમની તપાસ શરૂ કરી છે. સાથે જ આરોપીએ વિદ્યાર્થીઓ અને યુવાપેઢીને ટાર્ગેટ કરીને ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની શક્યતાને લઈને પોલીસે પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સના તાર કોની કોની સાથે અને ક્યાં ક્યાં જોડાયેલા છે, તે અંગે વધુ તપાસ શરુ કરવામાં આવી છે.