અમદાવાદના વસ્ત્રાપુર રેલ્વે સ્ટેશન પાસે આવેલી નિરાલી સોસાયટીના વિવાદનો મામલો આનંદનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.. જ્યાં ભાજપના સરખેજ વોર્ડના ચાલુ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે રહીશોના નિવેદનને લઈને તપાસ શરૂ કરી છે.


કોર્પોરેટરે સોસાયટીના સભ્યોને ફોનમાં બિભત્સ ગાળો બોલી ધમકી આપી

બીજી બાજુ આનંદનગર પોલીસ દ્વારા ચાલુ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરને આજે નોટિસ આપી તેને તપાસ માટે બોલાવવામાં આવશે. કોર્પોરેટર વિરુદ્ધ જામીન લાયક ગુનો હોવાથી સુરેન્દ્ર ખાચરને નોટિસ આપી તેની ધરપકડ કરવામાં આવશે. નોંધનીય છે કે નિરાલી ફ્લેટના રહીશ અને રિ-ડેવલોપમેન્ટ કમિટીના મેમ્બર પ્રાંજલ દેસાઈએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરે સોસાયટીના સભ્યોને ફોનમાં બિભત્સ ગાળો બોલી ધમકી આપી હતી. આ ઉપરાંત સુરેન્દ્ર ખાચરે પ્રાંજલ દેસાઈ, મનીષ સેવક, કૌશિક ત્રિવેદીને અપશબ્દો બોલ્યા હતા.

કોર્પોરેટરે ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાથી રિ-ડેવલોપમેન્ટ માટે સહમત થતો નથી

સાથે જ હાથ પગ તોડી નાખવાની સુરેન્દ્ર ખાચરે ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રવીણ ખાચરે સોસાયટીમાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે. ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાથી રિ-ડેવલોપમેન્ટ માટે સહમત થતો નથી. જેથી ભાજપ કોર્પોરેટર રિ-ડેવલોપમેન્ટ ન કરવા દેતાં હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. 105 મકાનોમાંથી 85 જેટલા રહીશો રિ ડેવલોપમેન્ટ માટે મંજૂર થયા છે. કોર્પોરેટર ખાચર અને તેમના સાથીદારો દ્વારા બિલ્ડરો અને રહીશોને ધમકાવતા હોય તેવા આક્ષેપ કર્યા છે, જે દિશામાં પોલીસે લોકોના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: