- સુરક્ષા આયુક્ત રામરાજ મીણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું
- ડિવિઝનલ રેલવે મેનેજરે સિવિલ ડિફેન્સની પરેડનું નિરીક્ષણ કર્યું
- વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા
78માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાવનગર ડિવિઝન ખાતે સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદે જણાવ્યું હતું કે, ડિવિઝનલ રેલવે મેનેજરનું ભાવનગર પરા રેલ્વે સ્ટેડિયમ ખાતે વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત રામરાજ મીણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને તેમને સલામી આપી સ્ટેજ પર લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે રેલવે સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી. ત્યાર બાદ ડિવિઝનલ રેલવે મેનેજરે રેલવે પ્રોટેક્શન ફોર્સ, ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ, સેન્ટ જોન એમ્બ્યુલન્સ અને સિવિલ ડિફેન્સની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે સૌએ પરેડની સુંદર ઝાંખી રજૂ કરી હતી. ત્યારબાદ ડિવિઝનલ રેલવે મેનેજરે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રનો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. બાલ મંદિર, કિડ્સ હટ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ ઘણા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.















