- ભાવનગર શહેરમાં ફરી આખલાનો આતંક આવ્યો સામે
- શહેરના કાળિયાબીડ વિસ્તારની અક્ષરધામ-1 સોસાયટીમાં બન્યો બનાવ
- ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી
ભાવનગર શહેરમાં ફરી એક વખત આખલાઓનો આતંક સામે આવ્યો છે. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આખલાઓ ઝઘડ્યા હતા અને તેના કારણે ગેસની પાઈપ લાઈન તોડી નાખી છે, જેના કારણે સ્થાનિકોને હવે વધારે પરેશાન થવાનો વારો આવ્યો છે.
ગેસ લીકેજ થતા લોકોમાં ભયનો માહોલ
કાળિયાબીડ વિસ્તારમાં આવેલી અક્ષરધામ-1 સોસાયટીમાં આખલાઓ અચાનક ઝઘડતા ગેસની પાઈન લાઈનનો એસ.આર પોઈન્ટ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તે વિસ્તારમાં ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આસપાસમાં થોડી નાસભાગ મચી હતી અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
તૂટેલી લાઈનનું તાત્કાલિક રીપેરીંગ કામ કરાયુ
જો કે આખલાઓના આતંકના કારણે ગેસ લાઈન લીકેજ થતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જ ગુજરાત ગેસની ટીમનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગેસની લાઈન બંધ કરીને તૂટેલી લાઈનનું રીપેરીંગ કામકાજ તાત્કાલિક હાથ ધર્યુ હતું. ત્યારબાદ ગુજરાત ગેસની ટીમે કહ્યું કે હવે કોઈ ચિંતાની વાત નથી, તે પછી સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્થાનિકોએ ઘણી વખત કરી ફરિયાદ પણ કોઈ ઉકેલ નહીં
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ શહેરમાં આખલાઓના આતંકનો ત્રાસ જોવા મળ્યો છે અને સ્થાનિકોએ ઘણી વખત ફરિયાદ પણ તંત્રને કરી પણ આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.