ભાવનગરના પાલીણાના હસ્તગીરી ડુંગરમાંલાગેલી આગ 72 કલાક બાદ પણ યથાવત છે. ડુંગર પર આગની ઘટનાને લઇ ફાયર-ફોરેસ્ટ વિભાગે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.


પાલિતાણાના હસ્તગીરી ડુંગર અને મહુવા તાલુકાના વાવડી ગામના ડુંગરો છેલ્લા 72 કલાકથી આગની ચપેટમાં છે. ઘટનાસ્થળે ફાયર વિભાગના વાહનો પહોંચી શકે તેમ ન હોવાથી આગ વધુ પ્રસરે નહી તે માટે દેશી પદ્ધતીથી આગ ઓલવવાની કામગીરી ચાલી રહ્યાં છે. તેવામાં બંને ડુંગરોમાં લાગેલી આગ કંટ્રોલમાં હોવાનો તંત્રએ દાવો કર્યો છે.

પાલિતાણાના હસ્તગીરી ડુંગરો પર ગત શનિવારની રાત્રિના આગ લાગી હતી. જે કાબુમાં આવ્યા બાદ રવિવારના બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પવનના કારણે ફરીથી હસ્તગીરીના ડુંગરો પર આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈને પાલિતાણા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ ડુંગરોની ખીણ વચ્ચે સુકાઘાસમાં આગ પ્રસરી હોવાથી ફાયર વિભાગના વાહનો ત્યાં પહોંચી શકે તેમ ન હતા.

 હાલ ઘટના સ્થળે પાલિતાણા ફાયર વિભાગ અને વનવિભાગ સ્ટેન્ડબાય હોવાનું અને આગ કાબુમાં હોવાનું ડિઝાસ્ટર મામલતદાર ભાવનગર દ્વારા જણાવાયું છે. જ્યારે આ વિસ્તારમાં નાના-મોટા પશુ-પંખીઓ અને વન્યજીવોની અવર-જવર હોવાથી અહીંની વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થયું હોવાની સંભાવનાઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી. 



  • Follow us on: