બનાસકાંઠાની ડીસા GIDCમાં ફટાકડાના ગોડાઉનમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાને કારણે આગ લાગતા 13થી વધુ લોકોના મોત થયા છે. અન્ય ઈજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ડીસામાં લાગેલી આગ મામલે મુખ્યમંત્રીએ સ્થાનિક તંત્ર સહિત કલેકટર અને પ્રભારી મંત્રી તથા ગૃહ મંત્રી સાથે પણ વાતચીત કરી છે. સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી ઝડપથી તમામ મદદ પૂરી પાડવા સૂચના આપવામાં આવી છે. પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપુત ડીસા જવા રવાના થયા છે.
ગોડાઉનમાં બ્લાસ્ટ મામલે મૃત્યુઆંક વધી શકે છે
બનાસકાંઠાના ડીસા જીઆઇડીસીમાં આવેલ ફટાકડાના ગોડાઉનમાં મોટો બ્લાસ્ટ થયો હતો. ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 12થી વધુ કામદારોના મોતની ખબર સામે આવી છે. તો 5 લોકો ઘાયલ થયા છે. પાણી ગરમ કરવાનું બોઇલર ફાટવાની કારણે આગ લાગી હોવાની શક્યતાઓ છે. વિસ્ફોટક પદાર્થમાં પ્રચંડ ભડાકો થતાં ગોડાઉન ધરાશાયી થયું હતું. મજૂરોનાં માનવઅંગો દૂર સુધી ફેંકાયાં હતા. હાલ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં અંદર કામ કરતા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે.
કાટમાળમાંથી 12 મૃતદેહો નીકળ્યા: જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આ વિશે માહિતી આપી કે, ડીસામાં ફટાકડાની ફેકટરીમાં આગ લાગવાની ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ફેક્ટરીના કાટમાળમાંથી ભડથું થયેલ હાલતમાં 12 મૃતદેહો નીકળ્યા. હજુ SDRF અને ફાયરની ટિમ દ્વારા સર્ચ ચાલુ.. ઘટનાને લઈને FSLની ટીમમે બોલાવવામાં આવી છે. ઘટનાને લઈને તપાસના આદેશ આપી દેવાયા છે.
ફેક્ટરીનો માલિક ફરાર થયો
કાટમાળમાં દબાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે. તે જોતા મૃત્યુઆંક વધવાની શક્યતા દેખાઈ રહી છે. SDRFની ટીમે પહોંચીને ગોડાઉનમાં ભડથું થયેલ લાશો કાઢવાનું શરૂ કરાયું છે. જોકે, ફેકટરી માલિક ખૂબચંદ્ર નાહલાણી સમગ્ર ઘટનામાં હજુ સુધી ફરાર છે.