• નાની વયના લોકોમાં વધ્યું પ્રમાણ

  • ગુજરાતમાં વધી રહ્યા છે હાર્ટએટેકના બનાવો
  • સામાન્ય જનતામાં વધી રહ્યો છે ભય

ભાવનગરમાં આર્મી જવાનનું હાર્ટએટેકથી મોત થઈ હોવાની જાણકારી સામે આવી છે. આ મામલે માહિતી પ્રમાણે સંજય ચુડાસમા નામના જવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને આવતીકાલે સવારે ભાવનગર તેમના વતન ખાતે લઈ જવામાં આવશે.

સંજય ચુડાસમા હાલમાં રાજસ્થાન સરહદે પોસ્ટિંગ ધરાવતા હતા. તેઓ રાજસ્થાનની ભારત-પાકિસ્તાન બોર્ડર પર તહેનાત હતા. જ્યાં તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન નિપજ્યું હતું. મહત્વનું છે કે આ જવાનની ઉંમર ખૂબ જ નાની હતી. તેમની વય માત્ર 25 વર્ષની હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ગુજરાતમાં અનેક લોકોના હાર્ટએટેકથી મોત થયા હોવાના મામલાઓ સામે આવ્યા છે. પરંતુ તેમાં પણ નાની વયે અવસાન પામતા લોકોની સંખ્યા વધુ છે. આ જવાનનો નશ્વર દેહ આવતીકાલે તેમના વતન ભાવનગર ખાતે લાવવામાં આવશે એવી જાણકારી સામે આવી છે.

ગુજરાતમાં થયો વધારો

છેલ્લા કેટલાક દિવસોમાં ગુજરાતમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ રોગ સામાન્ય બની રહ્યો છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના ઘણા કારણો હોઈ શકે છે. એવું પણ માનવામાં આવે છે કે હાર્ટ એટેકનું કારણ તણાવ છે. આ તણાવમાંથી છુટકારો મેળવવા માટે આજના યુવાનો મોટાભાગે ધુમ્રપાન, ઊંઘની ગોળીઓ કે દારૂ જેવા વ્યસનોનો શિકાર બની રહ્યા છે. જે હૃદય સંબંધિત રોગોને વધુ પ્રોત્સાહન આપે છે.

કોલેસ્ટેરોલ છે એક કારણ

ઉંમર વધવાની સાથે દરેક વ્યકિતની આ ધમનીઓમાં કોલેસ્ટેરોલ (ચરબી) ની જમાવટ થતી જાય છે અને નળીઓ સાંકળી થતી જાય છે. આ કારણે વ્યકિતને શ્રમ કરતી વખતે હૃદયનો દુખાવો અનુભવાય છે. આ દુખાવો ક્ષણીક હોય છે અને 2 થી 5 મીનીટ આરામ કરવાથી કે નાઈટ્રોગ્લીસરીનની ગોળી ચૂસવાથી દુખાવો બંઘ થઈ જાય છે. આ દુખાવો છાતીની ડાબી બાજુ કે ડાબા હાથમાં જ થાય તેવી સામાન્ય માન્યતા પણ સાચી નથી. આ દુખાવો જમણા હાથમાં કે ખભામાં, ગળામાં, નીચેના જડબામાં, પેટમાં, વાંસામાં કે છાતીના મધ્યમાં પણ થઈ શકે છે. 20% લોકોને તો કોઇ દુઃખાવાનો અનુભવ થતો જ નથી. જયારે આ સાંકળી નળી ઓચીંતી બંધ થઈ જાય છે ત્યારે હૃદયના અમુક ભાગમાં લોહીનો પૂરવઠો તદ્‌ન બંઘ થઈ જાય છે અને તે હૃદયરોગના હુમલામાં (હાર્ટ એટેક) પરિણમે છે. તમને ખબર છે કે 60% પુરૂષો અને 50% સ્ત્રીઓમાં હૃદયની બિમારીની ચેતવણી જ મળતી નથી અને સૌથી પહેલા લક્ષણ રૂપે સીધો હાર્ટ એટેક જ આવે છે.

સારવાર મળે તે પહેલા જ મૃત્યુ

અત્યંત ગંભીર બાબત એ છે કે હાર્ટ એટેક દરમ્યાન 25 % લોકો તો ઘરેથી ડોકટર પાસે પહોચતાં પહેલા જ મૃત્યુ પામે છે, વિશ્વની કોઈપણ બિમારીમાં આટલો ઉંચો અને આટલો ઝડપી મૃત્યુ દર નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણી જીવનશૈલી તદ્‌ન બદલાઈ ગઈ છે. તનાવ-યુકત જીવન, ખોરાકમાં ઘી, તેલ, ફરસાણ, મીઠાઈનો વધુ પડતો ઉપયોગ, તમાકુનું સેવન, વઘુ પડતું વજન અને શરીરની મેદસ્વીતા, કસરતનો અભાવ, ડાયાબીટીસ-બીપી જેવા રોગનું વઘતું પ્રમાણ અને આધુનિક જીવનની દોડઘામ, હરીફાઈ અને ટૂંકા ગાળામાં વઘુ પૈસા કમાઈ લેવાની આપણી વૃતીના કારણે આપણું કોલેસ્ટેરોલનું પ્રમાણ લોહીમાં પણ વઘી ગયું છે. જેના કારણે હૃદયરોગનો હુમલો કે લકવાના રોગનો જન્મ થયો છે.


  • Follow us on: