ભુજ નગરપાલિકા દ્વારા એપ્રિલથી લઈને ફેબ્રુઆરી સુધીના 11 માસના ગાળામાં રૂપિયા 17 કરોડની વસૂલાત કરવામાં સફળતા મેળવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને એપ્રિલથી જૂન ત્રણ માસ દરમ્યાન મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરાની ભરપાઈ ઉપર 10 ટકા રિબેટનો લાભ અપાયો હતો. જ્યારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમ્યાન 5 ટકા અને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દરમ્યાન 2.5 ટકા રિબેટનો લાભ વેરા ધારકોને મળ્યો હતો. અત્યાર સુધીમાં 17,710 જેટલા મિલકત ધારકોએ વેરાની ભરપાઈ કરી છે.
11 માસ દરમ્યાન પાલિકાને રૂપિયા 17,02,14,186ની વેરા પેટે વસૂલાત થઈ
આ અંગે વધુ માહિતી આપતાં નગરપાલિકાના ટેક્સ સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી 10 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવી હતી, જેના પગલે અત્યાર સુધીમાં 11 માસ દરમ્યાન પાલિકાને રૂપિયા 17,02,14,186ની વેરા પેટે વસૂલાત થઈ છે. નગરપાલિકા દ્વારા મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરાની ભરપાઈ ઉપર પ્રથમ ત્રણ માસ સુધી 10 ટકા રિબેટનો લાભ અપાયો હતો, જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર સુધી 5 ટકા રિબેટનો અને ઓક્ટોબરથી ડિસેમ્બર માસમાં 2.5 ટકા રિબેટનો લાભ અપાયો હતો. જેનાં પગલે 14,961 મિલકત ધારકોએ રિબેટનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં 17,710થી વધુ મિલકત ધારકોએ તેમના બાકી વેરાની ભરપાઈ કરી છે.
અંતમાં તેમણે જે મિલકત ધારકોના ગત વર્ષના વેરા ભરપાઈ કરવાના બાકી છે, તેવા મિલકત ધારકોને નોટિસો ફટકારવામાં આવી રહી છે. જે પૈકી બહુમાળી મિલકત ધારકોના પાણી અને ગટરના કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે. જ્યારે કોમર્શિયલ મિલકત ધારકો બાકી વેરાની ભરપાઈ નહીં કરે તો સીલિંગની ધાક બેસાડતી કામગીરી કરવામાં આવશે તેમ જણાવી ઉમેર્યું હતું કે, પાલિકા દ્વારા ગત વર્ષે રૂપિયા 22 કરોડની વેરા પેટે વસૂલાતનો ટાર્ગેટ નિયત કરાયો હતો, જેની સામે રૂપિયા 20 કરોડની વસૂલાત થઈ હતી. ત્યારે ચાલુ વર્ષે પાલિકા દ્વારા 42,000થી વધુ મિલકત ધારકો પાસેથી રૂપિયા 28 કરોડ જેટલી વસૂલાત કરવાની થાય છે. તેની સામે રૂપિયા 22 કરોડની વસૂલાતનો હાલ ટાર્ગેટ નિયત કરાયો છે.
1,110 મિલકત ધારકોએ ઓનલાઈન મિલકત વેરા ભર્યા
ભુજ પાલિકા દ્વારા ગ્રાહકો પોતાનાં ઘેર બેઠા જ મિલકત વેરાની ભરપાઈ કરી શકે તે માટે ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે છેલ્લા 11 માસમાંથી ભુજવાસીઓ પૈકી 1,110 જેટલા મિલકત ધારકોએ ઓનલાઇન દ્વારા પોતાના મિલકત વેરાની ભરપાઇ કરવામાં આવી છે. જ્યારે 16,600 મિલકત ધારકોએ પાલિકા કચેરીમાં આવીને પોતાના હસ્તે જ વેરાની ભરપાઈ કરીને જરૂરી પહોંચ મેળવી છે. જેના પગલે પાલિકાને 11 માસમાં રૂપિયા 17 કરોડ જેટલી વેરા પેટે વસૂલાત થવા પામી છે.
દુકાન ભાડું, હોર્ડિગ્સના ભાડા પેટે રૂપિયા 1.15 કરોડ જેટલી આવક
ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ 2024થી વેરા વસૂલાતની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ દિવાળી બાદ ડિસેમ્બરથી વેરા વસૂલાત ઝુંબેશને વધુ સઘન બનાવવાનાં ભાગરૂપે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરિણામે અત્યાર સુધીમાં રૂપિયા 17 કરોડની વેરા પેટે વસૂલાત કરવામાં સફળતા મળી છે, જેમાં ટેક્સ પેટે રૂપિયા 14,21,42,152 વ્યવસાય વેરા પેટે રૂપિયા 1,65,13,647 તથા દુકાન ભાડું-હોર્ડિગ્સના ભાડા પેટે રૂપિયા 1,15,58,387 મળી કુલ રૂપિયા 17,02,14,186ની વેરા પેટે પાલિકાને આવક થઈ હતી.
28 દિવસમાં 2.23 કરોડની વેરા પેટે વસૂલાત
પાલિકા દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ દરમ્યાન શનિવાર, રવિવારની રજાના દિવસોમાં તેમજ જાહેર રજાનાં દિવસોમાં પણ કેસ કાઉન્ટર શરૂ રાખવાનો નિર્ણય કરાયો છે. જેને કારણે રહેવાસીઓ રજાનાં દિવસે પણ બાકી વેરાની ભરપાઇ કરવા માટે સરળતા રહે. રજાનાં દિવસોમાં પણ પાલિકા દ્વારા કેસ કાઉન્ટર શરૂ રાખવામાં આવતાં ફેબ્રુઆરી માસમાં 28 દિવસમાં 2.23 કરોડની વેરા પેટે વસૂલાત કરવામાં સફળતા મળી છે. છેલ્લા 10 માસ દરમ્યાન પાલિકાને 14.77 કરોડની વસૂલાત થવા પામી હતી.
ટાર્ગેટ પૂર્ણ કરવા પાલિકાને ચાલુ માસમાં 5 કરોડ વસૂલવા પડશે
પાલિકા દ્વારા 2024-25 દરમ્યાન 22 કરોડ રૂપિયાની વેરા વસૂલાત કરવા માટે ટાર્ગેટ નિયત કરવામાં આવ્યો છે. જેની સામે 11 માસમાં 17 કરોડ રૂપિયાની વસૂલાત થવા પામી છે. હવે માત્ર એક માસ બાકી રહ્યો છે. 31 માર્ચ સુધીમાં પાલિકાને નિયત કરેલા ટાર્ગેટને પૂર્ણ કરવા માટે વધુ 5 કરોડની વસૂલાત કરવી પડશે. જોકે, પાલિકા દ્વારા મોટા બાકીદારો ઉપર હાલે ધોંસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે, પાલિકા 22 કરોડની વસૂલાતનાં આંકને આંબશે કે પછી ગત વર્ષની જેમ 20 કરોડની વસૂલાત કરી સંતોષ માનશે.













