ભુજ આરટીઓ કચેરીને નાણાકીય વર્ષ દરમ્યાન ટુ વ્હિલર, ફોર વ્હિલર સહિતનાં વાહનોનાં રજિસ્ટ્રેશન તેમજ પસંદગી નંબર, ટેક્સ, ફી સહિત મળીને કુલ રૂપિયા 186.53 કરોડની આવક થવા પામી છે. જે ગત વર્ષે વિભાગને રૂપિયા 254.43 કરોડની આવક થઈ હતી. તેની સરખામણીએ રૂ. 67.9 કરોડની ઓછી વસૂલાત થવા પામી છે. મહત્ત્વની બાબત એ છે કે વર્ષ દરમ્યાન તમામ પ્રકારના મળીને કુલ 39,254 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. જ્યારે પસંદગીનાં નંબર પેટે રૂપિયા 2 કરોડની વિભાગને વધારાની આવક થવા પામી હતી.


કુલ 25,951 ટુ વ્હિલરનું તથા 7,553 ફોર વ્હિલરનું રજિસ્ટ્રેશન થવા પામ્યું

આ બાબતે વધુ માહિતી આપતાં આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ દરમ્યાન ભુજ આરટીઓ વિભાગ દ્વારા નવા વાહનોનાં રજિસ્ટ્રેશન, ટેક્સ, ફી સહિતની મળીને કુલ રૂ. 186.53 કરોડની આવક થવા પામી હતી. જે ગત વર્ષ રૂ. 254.43 કરોડની વસૂલાત સામે રૂ. 67.9 કરોડની ઓછી વસૂલાત થઈ છે. ભુજ આરટીઓ ખાતે આ વર્ષે કુલ 25,951 ટુ વ્હિલરનું તથા 7,553 ફોર વ્હિલરનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે. આ સિવાય થ્રી વ્હિલરના 776 વાહનો મળીને વર્ષના અંતે કૂલ 39,254 નવા વાહનોનું કચેરીમાં રજિસ્ટ્રેશન થવા પામ્યું છે.

વધુમાં તેમણે જે લોકોએ નવા વાહનોની ખરીદી કરી હતી તેમના માટે વિભાગ દ્વારા જે તે સિરીઝ માટે પસંદગીનાં નંબરો મેળવી શકે તેવા ઉદેશ્ય સાથે ઓનલાઈન ઓક્શન પણ શરૂ કરવામાં આવ્યું હતું. જેને કારણે લોકોએ 9, 999, 9999 સહિતના લક્કી નંબરો માટે વાહનમાલિકોએ સારી એવી બોલી બોલતાં વિભાગને કુલ રૂ.2 કરોડની વધારાની આવક થવા પામી હતી તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

આ વર્ષે 15,726 જેટલા નવા વાહનોના વેચાણમાં ઘટાડો

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નવા વાહનોની ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે કચ્છમાં 54,980 નવા વાહનોનું આરટીઓ કચેરીમાં રજિસ્ટ્રેશન થવા પામ્યું હતું. જેની સરખામણીએ આ વખતે 39,254 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થવા પામ્યું છે. જે દર્શાવે છે કે, ગત વર્ષની સરખામણીએ 15,726 નવા વાહનની ખરીદીમાં ઘટાડો થયો છે. સ્વાભાવિકપણે જ પસંદગીનાં નંબરો માટે કચેરીને થતી વધારાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થવા પામે.

આરટીઓ કચેરીને દંડ, ટેક્સ પેટે રૂ. 172 કરોડની આવક

આરટીઓ વિભાગ દ્વારા વર્ષ દરમ્યાન વાહનોના ચેકિંગની પણ કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન સ્થળ પર નિયમોના ભંગ સબબ કરેલી દંડકીય વસૂલાત, વાહનોના ટેક્સ સહિતની વસૂલાત તેમજ વાહનોનાં રજિસ્ટ્રેશન તેમજ પસંદગી નંબર, ટેક્સ, ફી સહિત મળીને કુલ રૂ. 172 કરોડની આવક થઇ છે. આમ, વિભાગને થયેલી રૂ. 186.53 કરોડની આવકમાં રૂ. 172 કરોડની વાહન પેટે આવક થવા પામી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

  • Follow us on: