- કેતન ઇનામદારની પાટીલ સાથે બેઠક પૂર્ણ
- સી.આર.પાટીલ સાથે મારી મુલાકાત થઈ
- હાલ રાજીનામું પાછુ લઉ છુ : કેતન ઈનામદાર
કેતન ઇનામદારની સી.આર. પાટીલ સાથે બેઠક પૂર્ણ થઇ છે. જેમાં પાટીલ સાથે બેઠક બાદ કેતન ઈનામદારનું નિવેદન સામે આવ્યું છે. તેમાં કેતન ઈનામદારે જણાવ્યું છે કે સી.આર.પાટીલ સાથે મારી મુલાકાત થઈ છે. સી.આર.પાટીલ સાથે મુલાકાત બાદ મને સંતોષ છે તેથી હાલ રાજીનામું પાછુ લઉ છુ.
મારા બધા જ પ્રશ્નોનું નિરાકરણનું આશ્વાસન મળ્યું: કેતન ઈનામદાર
ભાજપે નારાજ MLA કેતન ઈનામદારને મનાવી લીધા છે. જેમાં કેતન ઈનામદારે જણાવ્યું છે કે મેં મારા તમામ પ્રશ્નો રજૂ કર્યા છે. મારા બધા જ પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન મળ્યું છે. મેં મારા અંતર આત્માની વાત સી.આર. પાટીલને કરી છે. મારા બધા જ ડ્રિમ પ્રોજેક્ટ મારા કાર્યકાળમાં પૂરા થશે. મારો વ્યક્તિગત કોઈ સામે વિરોધ નથી. સવારથી ભારે ડ્રામા બાદ ઘીના ઠામમાં ઘી ઢોળાયું છે. જેમાં સાવલીના MLA કેતન ઇનામદારે રાજીનામું પાછુ ખેચ્યું છે. તેમાં MLA કેતન ઇનામદારની પ્રેશર ટેકનીક ફરી કામે લાગી છે. અડધી રાત્રે મેઇલ મારફતે અધ્યક્ષને રાજીનામું મોકલ્યું હતું. જેમાં નિર્ણય પર અડગ રહેવાની વાત કરનાર ધારાસભ્ય ફરી ગયા છે.
જાણો સમગ્ર ઘટના:
તાજેતરમાં ભાજપે વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા હતા. રંજનબેનને ટિકિટ આપ્યાના બીજા જ દિવસે ભાજપનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. એને પગલે પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આમ છતાં જ્યોતિબેન મક્કમ રહીને નારાજગી વ્યક્ત કરતાં રહ્યાં હતાં. આ ઘટનાક્રમ વચ્ચે અચાનક જ આજે સવારે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું મોકલી દેતાં વડોદરા ભાજપમાં રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. જો કે ત્યાર બાદ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી અને હકુભાને વડોદરા દોડાવ્યા હતા. ત્યાર બાદ ઇનામદાર વડોદરાથી પાટીલ સાથે બેઠક કરવા માટે 2 વાગ્યે ગાંધીનગર આવ્યા હતા. જ્યાં બન્ને વચ્ચે બંધ બારણે મુલાકાત થઈ હતી. આ મુલાકાત બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછુ લેવાના સમાચાર આપ્યા હતા.