બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે એક પ્રેમ પ્રકરણમાં પિતા-પુત્રના અપહરણનો બનાવ સામે આવ્યો છે. રાજકોટના સાત શખ્સો બે ઈકો ગાડીમાં પિતા પુત્રનું અપહરણ કરી નાસી છુટયા હતા જ્યારે ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં બંનેને છોડાવી લીધા છે.
ગઢડા તાલુકાના ચિરોડા ગામના ઘુઘાભાઈ કાબાભાઈ વણોદિયા અને તેમના પુત્ર રાહુલનું ગઈકાલે સાંજે સાત શખ્સોએ બે ઈકો ગાડીમાં અપહરણ કર્યું હતું. જેથી અપહૃતના પત્નીએ ગઢડા પોલીસને જાણ કરતાં ગઢડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી. ત્યારે એક ઈકો ગાડીને બોટાદથી પકડી પાડી ઘુઘાભાઈને છોડાવવામાં આવ્યા હતા અને બીજી ઈકો ગાડીમાં રહેલા આરોપીઓએ રાહુલને સાયલા રોડ પર છોડી દીધો હતો.













