79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દેશભરના પોલીસ અધિકારીઓ અને જવાનો માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની જાહેરાત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ યાદીમાં ગુજરાત પોલીસના કુલ 19 અધિકારીઓ અને જવાનોએ સ્થાન મેળવ્યું છે. ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકની સેવાઓ બદલ રાજ્યના 2 અધિકારીઓને 'વિશિષ્ટ સેવા મેડલ' (President's Medal for Distinguished Service) અને 17 જવાનોને 'પ્રશંસનીય સેવા મેડલ' (Medal for Meritorious Service) એનાયત કરવામાં આવશે.


IPS અધિકારી અમિત વિશ્વકર્મા અને DySP બહાદુર સિંહ ચુડાસમાને સન્માન


કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ગુજરાત કેડરના સિનિયર IPS અધિકારી અમિત વિશ્વકર્મા અને DySP બહાદુર સિંહ ચુડાસમાને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ પોલીસ ક્ષેત્રે આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનો એક ગણાય છે, જે તેમના વર્ષોના સમર્પણ અને ઉત્કૃષ્ટ સેવાઓની સત્તાવાર નોંધ લે છે.


IG સૌરભ તોલંબિયા, DySP કે.એલ.વાઘેલાને સન્માન 


આ ઉપરાંત, રાજ્યના અન્ય 17 પોલીસ અધિકારીઓ અને જવાનોને તેમની પ્રશંસનીય કામગીરી માટે 'પ્રશંસનીય સેવા મેડલ' આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં IG સૌરભ તોલંબિયા, DySP કે.એલ.વાઘેલા, પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર.કોલી અને PSI બી.એમ.સોલંકી જેવા વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થાય છે. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કેન્દ્ર સરકાર તરફથી મળેલી આ જાહેરાતને પગલે ગુજરાત પોલીસ બેડામાં ભારે ઉત્સાહ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.