ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત સાડા ત્રણ માસ સુધી હાથ ધરવામાં આવેલી વિવિધ તબક્કાઓની અસરકારક કામગીરી બાદ આજ રોજ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી હક્ક-વાંધા-દાવાઓ તા.19/12/2025થી 30/01/2026 દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10મી ફેબ્રુઆરી,2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ પણ કરવામાં આવ્યો હતો.
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે
BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી હતી અને આખરી મતદાર યાદીમાં 4,40,30,725 મતદારોના નામ રહેવા પામ્યા છે. આમ, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ બાદ 5.60 લાખ મતદારોનો વધારો (Net Addition) આખરી મતદાર યાદીમાં થયો છે.
કામગીરી મિશન મોડ પર કરવામાં આવી
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરી ગયેલા, ગણતરી દરમિયાન ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બૂથ લેવલ ઓફિસર અને રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારી અને મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હતી.
આજે મતદાર યાદી પ્રસિદ્ધ
સતત સાડા ત્રણ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ આખરી મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે. આખરી મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે. દરેક જિલ્લામાં આખરી મતદાર યાદીની બે નકલો (1 ફોટાવાળી પ્રિન્ટેડ તથા 1 ફોટા વગરની સોફ્ટ કોપી) તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સુપ્રત કરવામાં આવી છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અધ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાન યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : SIRની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યમાં 4,40,30,725 મતદાર નોંધાયા, આખરી યાદીમાં 5.60 લાખ મતદાર ઉમેરાયા