માળિયા નજીક મોટા દહિસરાથી નવલખી તરફ જતા રોડ પર મોરબીના બિલ્ડરના પુત્ર પર ફાયરિંગ થવાની ઘટના બની હતી જેનો ભેદ મોરબી જિલ્લા પોલીસે ઉકેલ્યો છે, ચોકાવનારી આ ઘટના જેના પર ફાયરિંગ થયું હતું તેને જ અન્ય બે વ્યક્તિ પાસે 3 લાખમાં પોતાની સોપારી આપી ફાયરિંગ કરાવ્યા હોવાનું ખુલ્યું છે, બિલ્ડર પુત્ર દેવામાં હોય અને લેણદારોથી બચવા તરકટ કર્યું હતું જોકે પોલીસે ફાયરિંગ કરનાર શખ્સો દબોચી લીધા છે.


ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરુ કરતા બે શંકાસ્પદ શખ્સ સામે આવ્યા હતા

માળિયાના મોટા દહીસરાથી નવલખી જતા રોડપર ગત તા 20ના મોડી રાત્રે મોરબીના પ્રમુખ સ્વામી એપાર્ટમેન્ટમાં રહેતા તરુણ ઉર્ફે ગોપાલ હંસરાજ ગામી નામના યુવક પર બે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યા હોવાની ઘટના બની હતી જેમાં તરુણને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો પોલીસે આ ઘટનામાં જે તે સમયે ફરિયાદ નોધી તપાસ શરુ કરી હતી અને પોલીસને શરૂઆતથી જ આ ફાયરિંગ શંકાસ્પદ લાગતું હતું અને પોલીસ દ્વારા ફાયરિંગની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો ઘટના બાદ પોલીસે બનાવ જે વિસ્તારમાં બન્યો હતો ત્યાના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરુ કરતા બે શંકાસ્પદ શખ્સ સામે આવ્યા હતા.

દેવું વધી જતા પોતાના પર કરાવ્યું ફાયરિંગ

પોલીસ તપાસમાં એકનું નામ પરેશ ગોપાલભાઈ ઉઘરેજા અને અન્ય એક શખસનું નામ મકસુદ મહમદભાઈ નકુમ નામના શખ્સની ઓળખ થતા તેની શોધખોળ શરુ કરતા તેની ધરપકડ કરી હતી અને તેની આગવી ઢબે પૂછપરછ કરતા ખુદ ભોગ બનનાર તરુણે જ પોતાના પર ફાયરિંગ કરાવ્યા હોવાનું અને તેના માટે બે શખ્સને રૂ 3 લાખ ચૂકવવાનું નક્કી કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

ફાયરિંગ કરનાર બે આરોપીઓ ઝડપાયા

જેમાંથી 1.50 લાખ ફાયરિંગ પહેલા ચૂકવી દીધા હતા પોતાના પર ફાયરિંગ કરાવવાનું કારણ સામે આવ્યું છે જેમાં યુવક પોતે દેવામાં ડૂબેલો હોય અને લેણદારો ઉઘરાણી કરતા હોવાથી રૂપિયા ચુકવવા ન પડે તે માટે આખું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં પોલીસે જેનાથી ફાયરીંગ થયું હતું તે હથિયાર આરોપીઓને આપેલા રૂપિયા માંથી 1.10 લાખ રોકડા 3 મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: