- નસવાડીમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
- રોડ, રસ્તા, ખેતરોમાં પાણી ફરી વળ્યા
- પાણી ભરાતા ખેતરોમાં જળબંબાકાર
સમગ્ર રાજ્ય સહિત છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જિલ્લાના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે છોટા ઉદેપુરના નસવાડીમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે રોડ, રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તંત્રની કામગીરી પર સ્થાનિકો અનેક સવાલ કરી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.
આ વિસ્તારોમાં હવામાન વિભાગે આપ્યુ યલો એલર્ટ
બનાસકાંઠા, પાટણ, મહેસાણા તથા સાબરકાંઠા, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદનું યલો એલર્ટ છે. ત્યારે રાજ્યના છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને રાજકોટ, જામનગર, સોમનાથ, બોટાદ, ભાવનગર, અમરેલી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં ભારે વરસાદની આગાહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત અન્ય જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક નદીઓ ગાંડી બની છે. અનેક ગામોમાં પાણી ભરાયા છે.
સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ત્યારે 24 કલાકમાં પલસાણામાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ પલસાણાના બલેશ્વર ગામમાં પાણી ભરાયા છે. બલેશ્વર ગામ બે દિવસથી બેટમાં ફેરવાયું છે. બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર થઇ છે. તેમજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે. જેમાં પલસાણામાં 10 ઈંચ તો બારડોલીમાં 8 અને મહુવામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.
છેલ્લા ત્રણ દિવસથી પલસાણાના બલેશ્વર ગામની બત્રીસ ગંગા ખાડી ગાંડીતુર થઇ છે. 12 કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ, પલસાણામાં 10 ઇંચ, કામરેજમાં 8.5 ઇંચ વરસાદ, બારડોલીમાં 8 ઇંચ, માંગરોળમાં 7 ઇંચ વરસાદ, માંડવીમાં 5 ઇંચ, ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ, મહુવામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે.