• લાશ મળતા પાવી જેતપુરની પોલીસ ઘટનાસ્થળે પહોંચી

  • મૃતકના કપાળ પર ગંભીર ઈજા, ગળાના ભાગે નખ વાગ્યાના નિશાન
  • પાવી જેતપુરની પોલીસ શંકાના આધારે બે જણાની પૂછપરછ કરી રહી છે

પાવી જેતપુર તાલુકાના ઉમરવા વસાહતના રહેવાસી અને હાલ વડોદરા ખાતે કડિયાકામ કરતા શૈલેષભાઈ રાઠવાની લાશ ગઈકાલે સુખી ડેમના પાણીમાંથી મળી આવી છે, આ લાશ મળતા પાવી જેતપુરની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતાં શૈલેષભાઈના કપાળ પર, ગળાના ભાગે તથા પીઠના ભાગે ઈજાના નિશાન મળી આવતા હત્યા કરી હોવાનું જણાતા અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.

આ વ્યક્તિ કૌટુંબિક ભાઈ અને તેના ભાણિયા સાથે ફરવા ગયા હતા

બે દિવસ પહેલા ઉમરવા વસાહતના શૈલેષભાઈ વડોદરાથી પોતાના ગામ ઉમરવા આવ્યા હતા, ત્યાં અડધો કલાક રોકાઈને પોતાના મૂળ વતન ચૈના પોતાના કાકા અરવિંદભાઈને ત્યાં ગયા હતા. ત્યાં પોતાના કૌટુંબિક ભાઈ રાજેશભાઈ, તેનો ભાણિયો વિપીનભાઈ અને નીતેશભાઈ સાથે ફરવા ગયા હતા. ત્યાંથી સાંજે ઘરે પર ફર્યા ન હતા, શૈલેષભાઈ સવારે પણ ઘરે ન આવતા કાકા અરવિંદભાઈએ પોતાના ભાઈ અને શૈલેષભાઈના પિતા રમેશભાઈને ફોન કરીને પૂછપરછ કરી કે શૈલેષ ત્યાં આવ્યો છે?

અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધાયો

રમેશભાઈએ ના પાડતા કાકા શૈલેષભાઈ શોધમાં નીકળ્યા ત્યારે લગભગ ત્રણેક વાગ્યે શૈલેષભાઈની લાશ સુખી ડેમના પાણીમાંથી મળતા કાકા અરવિંદભાઈએ પોતાના ભાઈ રમેશભાઈને જાણ કરતા રમેશભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યાં જઈને તેઓએ પાવી જેતપુરના પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને જોતા શૈલેષભાઈના કપાળ પર ગંભીર ઈજા, ગળાના ભાગે નખ વાગ્યાના નિશાન, પીઠ પર છોલાઈ ગયું હોવાના નિશાન મળી આવતા હત્યા કરી હોવાનું જણાતા પાવી જેતપુર પોલીસે પિતા રમેશભાઈને પૂછતા તેઓએ અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો અને સાથે સાથે રાજેશભાઈ, વિપીનભાઈ અને નિતેશભાઈ સામે શંકા હોવાનું જણાવ્યું હતું.

અદાવતના કારણે હત્યા થઈ હોવાની આશંકા

રમેશભાઈએ પાવી જેતપુર પોલીસને રાજેશભાઈના પિતા બચુભાઈ સાથે જમીન વિવાદ ચાલતો હોવાને લઈને અગાઉ કદવાલ પોલીસ મથકે સામસામે ફરિયાદ થઈ હોવાની વાત જણાવી હતી અને આ વિવાદને લઈને હત્યા કરી હોવાની આશંકા વ્યકત કરી હતી. જેને લઈને પાવી જેતપુરની પોલીસ રાજેશભાઈ અને નિતેશભાઈને પૂછપરછ કરી રહી છે અને જરૂર લાગે તો તેઓની ધરપકડ કરવાની વાત પણ પોલીસે જણાવી છે. હાલ તો પાવી જેતપુરની પોલીસ શંકાના આધારે બે જણાની પૂછપરછ કરી રહી છે અને ત્રીજા વિપીનભાઈની પણ પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરશે તેવું લાગી રહ્યું છે.


  • Follow us on: