ખાદ્ય તેલોના પેકેજિંગમાં અગાઉ વપરાયેલા જૂના ડબ્બા ઉપયોગમાં લેવાની ગેરરીતિને નાથવા માટે અને સુરક્ષિત પેકેજિંગ પદ્ધતિઓના મહત્વને ઉજાગર કરવા માટે ગ્રાહકોમાં વધુ જાગૃતતા ઊભી કરવી જરૂરી છે, એમ ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિયેશને જણાવ્યું છે. ગ્રાહકોના અધિકારો અંગે જાગૃતતા ફેલાવવા માટે દર 24મી ડિસેમ્બરે મનાવાતા રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે.


આરોગ્ય સાચવવા માટે સુરક્ષિત પેકેજિંગ મહત્વનું

ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિયેશનના સેક્રેટરી સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ઉદ્યોગ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. નિયમનકારી સત્તાવાળાઓ અમલીકરણ માટે આગળ આવ્યા છે પરંતુ ઉત્પાદકોએ પેકેજિંગ ધોરણોનું પાલન કરવું જ જોઈએ અને ગ્રાહકોએ ખાદ્ય તેલ ખરીદતી વખતે સજાગ રહેવું જોઈએ. લોકોનું આરોગ્ય સાચવવા માટે સુરક્ષિત પેકેજિંગ મહત્વનું છે.

રાજકોટ આ ઉલ્લંઘનના મોટા કેન્દ્રો તરીકે બહાર આવ્યા

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) અને ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ) જેવા નિયમનકારી સત્તામંડળોના પ્રયાસો છતાં આ મુદ્દે હજુ કોઇ સમાધાન મળ્યું નથી. એફએસએસએઆઈએ પેકેજિંગના નિયમનોના ભંગ બદલ સમગ્ર ગુજરાતમાં 200થી વધુ ઉત્પાદકો, મિલર્સ અને રિ-પેકર્સને કાયદેસરની નોટિસ ફટકારી છે અને તે ઉપરાંત 400થી વધુ કેસો હાલ તપાસ હેઠળ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (પેકેજિંગ) રેગ્યુલેશન, 2018 હેઠળ ફૂડ પેકેજિંગ માટે ડબ્બાના પુનઃવપરાશ પર પ્રતિબંધ મૂકતી સ્પષ્ટ માર્ગદર્શિકાઓ હોવા છતાં અમદાવાદ, સાણંદ, મહેસાણા, સુરત અને રાજકોટ આ ઉલ્લંઘનના મોટા કેન્દ્રો તરીકે બહાર આવ્યા છે.

ડબ્બામાં હાનિકારક દૂષકતત્વો હોય છે

આ નિયમનો હેઠળ ગ્રાહકોની સુરક્ષાની ખાતરી માટે પ્રાઇમ-ગ્રેડ ટિન પ્લેટ્સનો ઉપયોગ ફરજિયાત છે કારણ કે ફરીથી વપરાશમાં લેવાતા ડબ્બામાં હાનિકારક દૂષકતત્વો હોય છે જે ખાદ્યતેલમાં ભળી શકે છે. આ દૂષક તત્વો ખોરાકજન્ય બીમારીઓ, એલર્જિક રિએક્શન અને પાચનતંત્રની સમસ્યાઓ સહિત આરોગ્ય સામે ગંભીર જોખમો ઊભા કરે છે. આ ઉપરાંત, અયોગ્ય પેકેજિંગથી તેલમાં પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે જેનાથી બગાડ થાય છે અને તેની શેલ્ફ લાઇફ ઘટે છે.

ઉચ્ચ ગુણવત્તાના ખાદ્ય તેલો ખરીદે

ગુજરાત એફડીસીએએ નિયમોનો ભંગ કરનારા પર ચાંપતી નજર રાખવા અને આવા લોકો સામે કડક પગલાં લેવા તેના જિલ્લા સ્તરના અધિકારીઓને નિર્દેશો પણ આપ્યા છે. ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ યોગ્ય લેબલિંગ ચકાસે, એફએસએસએઆઈ લાઇસન્સ નંબરો પ્રમાણિત કરે અને નીચા ધોરણો ધરાવતા પેકેજિંગની પ્રોડક્ટ્સ ખરીદવાનું ટાળે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તેઓ સુરક્ષિત અને ઉચ્ચ ગુણવત્તાના ખાદ્ય તેલો ખરીદે છે.

વિશ્વાસ સંપાદિત કરી શકે

રાષ્ટ્રીય ગ્રાહક દિવસ નિયમનકારો, ઉત્પાદકો અને ગ્રાહકો જેવા તમામ હિતધારકો માટે પારદર્શક અને સુરક્ષિત ફૂડ સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે સહયોગ કરવાની તાતી જરૂરિયાત રજૂ કરે છે. કડક અનુપાલન, વધુ જાગૃતતા અને સામૂહિક રીતે કામ કરીને ખાદ્ય તેલ ઉદ્યોગ આ પડકારોનો સામનો કરી શકે છે અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.

  • Follow us on: