• પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
  • શ્રમિકો પાસે સિવિલ એન્જિનિયરે 36 ટન સળિયા લોડ કરાવ્યા
  • બારોબાર 18 લાખની કિંમતના સળિયા વેચાઈ ગયા

વડોદરા શહેરમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ કામગીરીમાં એક મોટા ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યા છે. શહેરના પંડ્યા બ્રિજ નજીક પંજાબ રોલિંગ મિલ ખાતે બુલેટ ટ્રેન એલિવેટેડ પ્રોજેક્ટની કામગીરીમાં નોકરી કરતાં સિવિલ એન્જિનિયરે શ્રમિકો પાસે રૂ. 18 લાખની કિંમતના 36 ટન સળિયા ટ્રેલરમાં લોડ કરાવીને બારોબાર માર્યા હતા અને ભ્રષ્ટાચાર આચર્યો હતો.

મહત્વનું છે કે આ મામલે L&T કંપનીના એક્ઝિક્યુટિવ એડમિન અનિલકુમાર સિંહે સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, છેલ્લા દોઢ વર્ષથી શહેરના પંડ્યા બ્રિજ નજીક પંજાબ રોલીંગ મિલ ખાતે બુલેટ ટ્રેનના એલિવેટેડ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. કંપની તરફથી આ આખા પ્રોજેક્ટનું કામકાજ તેઓ પોતે સંભાળે છે, જ્યારે સિવિલ એન્જિનિયર તરીકે તપન બિશ્વાસ ફરજ બજાવે છે. આ સિવિલ એન્જિનિયરે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી હોવાનો ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે.

ગઈકાલે સવારે 10 વાગ્યાની આસપાસ અમારા સાઈટ એન્જિનિયર વિવિક માત્રેએ મજૂરોને પૂછ્યું હતું કે, ગઈકાલે રાતે કામ કેમ ઓછું થયું છે? જેના જવાબમાં ક્રેઈન ઓપરેટર સુનિલકુમારે જણાવ્યું કે, ગઈ રાતે અમે સળિયાની ગાડી લોડ કરવાના કામમાં રોકાયેલા હોવાથી કામ ઓછું થયું છે. આથી રાતે કોઈ ગાડી લોડ ના કરવાની હોવા છતાં કંઈ ગાડી, કોણે લોડ કરાવી? તે બાબતે પૂછપરછ કરતાં તેઓએ તપન બિશ્વાસનું નામ આપ્યું હતુ. જેથી CCTV કેમેરાની ચકાસણી કરતાં રાતે 12 કલાકે ટ્રેલર અંદર આવ્યું હતુ અને સવારે 4 વાગ્યાની આસપાસ સળિયા લઈને પ્લાન્ટની બહાર નીકળતુ જોવા મળ્યું હતુ. આ મામલે તપન બિશ્વાસને પૂછતાં તેણે 18 લાખ રૂપિયાની કિંમતના 36 ટન સળિયા રાતોરાત લોડ કરાવીને બારોબાર વેચી માર્યા હોવાનું કબૂલ્યું હતું. આથી પોલીસે તપન બિશ્વાસ સહિત 2 જણા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ પીએમ મોદીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટથી ગુજરાતને દેશની પહેલી બુલેટ ટ્રેનની ભેટ મળશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડશે. આ ટ્રેન પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર ખાસ જાપાનની સાથે સહયોગ સાધવામાં આવ્યો છે અને જાપાનની આર્થિક તેમજ ટેક્નિકલ સહાય આ પ્રોજેક્ટમાં મળી રહી છે.


  • Follow us on: