ભાવનગર જિલ્લાના કનીવાવ ગામે ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા દંપતીની કરપીણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, મોડીરાત્રે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાને શાંત પાડવા ગયેલા શખ્સને મૃતકે ધક્કો મારી ચાલ્યા જવાનું કહેતા આરોપીએ બંનેની હત્યા કરી હતી. અમિત નામના શખ્સે કુહાડીના ઘા ઝીંકી પતિ-પત્નીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સિહોર પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. તેમજ બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો અને આરોપી ત્યાં જ મળી આવતા તેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


કનીવાવ ગામે બની હત્યની ઘટના

સિહોરમા એક બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘટના સિહોરના કનીવાવ ગામના સીમ વિસ્તારમાં ઈંટોના ભઠ્ઠા પર બની છે જેમાં મૂળ વતન નવસારીના રામુભાઈ અને લક્ષીબેન કનીવાવ ગામે ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરતા હતા. રામુભાઈ અને લક્ષ્મીબેન વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા જેને લઈને સાથે કામ કરતો અમિત નામનો શખ્સ તેઓને ઝઘડો નહીં કરવા સમજાવવા ગયો હતો. જેના કારણે રામુભાઈએ ઉશ્કેરાઈ જઈને તેને વચ્ચે નહીં પડવાનું કહી અપશબ્દો બોલતા અમિત ઉશ્કેરાઈ ગયો હતો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

અમિત ઉશ્કેરાઈને બાજુમાં પડેલી કુહાડીના આડેધડ ઘા ઝીંકી પતિ પત્નીની હત્યા કરી દીધી હતી. દારૂના નશામાં જ બંનેની હત્યા કરી અમિત પોતાની ઓરડીમાં જઈને ફરી નિશ્ચિન્ત બની સુઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં ભાવનગર પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સિહોર પોલીસ કાફલો સ્થળ પર ધસી ગયો હતો. તેમજ બંનેના મૃતદેહ પીએમ અર્થે મોકલી દીધા હતા. તેમજ આરોપી સ્થળ પર જ મળી આવતા સિહોર પોલીસે બેવડી હત્યા નિપજાવનાર અમિત નામના શખ્સની ધરપકડ કરી હતી. આરોપી ભાનમાં આવ્યા બાદ સિહોર પોલીસ આરોપીને ફરી સ્થળ પર લઈ આવી હતી તેમજ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



  • Follow us on: