ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે, જ્યાં પ્રથમ મેચ ગૉલમાં રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમે 106 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ શ્રીલંકાના મજબૂત બેટ્સમેન કામિન્દુ મેન્ડિસે પોતાની તાકાત બતાવી અને કારકિર્દીની સાતમી ટેસ્ટમાં ચોથી સદી ફટકારી. તેણે આ સદી સાથે ઈતિહાસ રચ્યો છે અને વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી છે.
કામિન્દુ મેન્ડિસે વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી
અગાઉની સિરીઝમાં ઇંગ્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન કરનાર મેન્ડિસે ન્યૂઝીલેન્ડ સામે તેનું ફોર્મ બતાવ્યું હતું અને 173 બોલમાં 114 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. પોતાની કારકિર્દીની સાતમી ટેસ્ટ રમી રહેલા મેન્ડિસે અત્યાર સુધીની તમામ 7 મેચોમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે. આ રીતે તેણે ડેબ્યૂ બાદ સતત ટેસ્ટ મેચમાં ફિફ્ટી પ્લસ સ્કોર બનાવવાના પાકિસ્તાની બેટ્સમેન સઈદ શકીલના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
સૌથી ઓછી ઇનિંગ્સમાં 8 વખત 50+ સ્કોર
જુલાઈ 2022માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરનાર મેન્ડિસ હવે સૌથી ઓછી ઇનિંગ્સમાં આઠ 50+ સ્કોર કરનાર શ્રીલંકાના બેટ્સમેન પણ બની ગયા છે. કામિન્દુએ 11માંથી આઠ ઇનિંગ્સમાં 50+ રન બનાવ્યા છે. આ મામલે તેણે મલિંદા વર્નાપુરાને પાછળ છોડી દીધો, જેણે 16 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ બંને સિવાય પથુમ નિસાન્કાએ 19 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.
સૌથી ઓછી ઇનિંગ્સમાં ચાર સદી
મેન્ડિસ કીવી સામે પ્રથમ વખત પાંચમા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. સદી પૂરી કર્યા પછી, કામિન્દુ હવે શ્રીલંકા તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં ચાર સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે માઈકલ વેન્ડોર્ટને પાછળ છોડી દીધો, જેણે ચાર સદી માટે 21 ઇનિંગ્સ લીધી.
કામિન્દુ મેન્ડિસ એક પણ મેચમાં નિષ્ફળ ગયો નથી
કામિન્દુ મેન્ડિસની ખાસ વાત એ છે કે તે અત્યાર સુધી એકપણ મેચમાં નિષ્ફળ ગયો નથી. જ્યારથી તેણે ટેસ્ટમાં પદાર્પણ કર્યું છે ત્યારથી તેણે દરેક મેચમાં સદી અથવા અડધી સદી ફટકારી છે. મેન્ડિસે 2022 માં ગાલેમાં તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેણે પ્રથમ મેચમાં જ 61 રન બનાવ્યા હતા. આ પછી તેને 2024માં ટેસ્ટ રમવાનો મોકો મળ્યો અને આ ખેલાડીએ બાંગ્લાદેશ સામે સિલ્હટમાં રમાયેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. ચિત્તાગોંગ ટેસ્ટમાં પણ તે અણનમ 92 રન ફટકારવામાં સફળ રહ્યો હતો.
મેન્ડિસે ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં 113 રનની શાનદાર ઇનિંગ રમી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં તેના બેટમાંથી 74 રન આવ્યા હતા. ફરીથી તેણે ઓવલ ટેસ્ટમાં 64 રનની ઇનિંગ રમી અને હવે ગાલે ટેસ્ટમાં આ ખેલાડીએ સદી ફટકારી છે. મેન્ડિસે બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવી મજબૂત ટીમો સામે ટેસ્ટ સદી ફટકારી છે.
કામિન્દુ મેન્ડિસની કારકિર્દી
કામિન્દુ મેન્ડિસની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2018માં શરૂ થઈ હતી. આ ખેલાડી ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે બંને હાથે બોલિંગ કરી. મેન્ડિસ ડાબા હાથના બેટ્સમેનોને જમણા હાથના ઓફસ્પિન સ્પિન અને જમણા હાથના બેટ્સમેનોને ડાબા હાથે સ્પિન બોલિંગ કરે છે. અદભૂત પ્રતિભા હોવા છતાં મેન્ડિસને શ્રીલંકાની ટીમમાં ઘણી તકો મળી ન હતી. 2022માં પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર અડધી સદી ફટકાર્યા બાદ તેને 2 વર્ષ સુધી ટેસ્ટ ટીમની બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ હવે તક મળતા જ આ ખેલાડીએ પાછળ વળીને જોયું નથી. હવે મેન્ડિસની ટેસ્ટ એવરેજ બ્રેડમેન પછી સૌથી વધુ છે.