રાજકોટમાં ન્યારી ડેમ અકસ્માતની ઘટનામાં પોલીસ નબીરાને છાવરતી હોવાનો સનસનીખેજ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. જેના બાદ અકસ્માત મુદ્દે DCPએ પોલીસની કામગીરીને લઈને ખુલાસો આપ્યો. DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું કે પોલીસ દબાણ કરે છે તે ખોટા આક્ષેપો છે. પોલીસ સીસીટીવીના આધારે જ તપાસ કરી રહી છે. ફરિયાદીએ જે નામ આપ્યા છે તે ખોટા છે. જેમણે ફરિયાદ આપી છે તે ઘટનાસ્થળે નહોતા તેથી પોલીસની કામગીરી પર સવાલ ના ઉઠાવી શકે.
21 તારીખે દાખલ થઈ ફરિયાદ
DCP જગદીશ બાંગરવાએ કહ્યું કે ફરિયાદી પોતે જ નિવેદન બદલી રહ્યો છે. પહેલા તેમણે કહ્યું હતું કે પ્રવીણસિંહ જાડેજા કાર ચલાવતો હતો. અને પછી કહે છે કે બીજા કોઈ કાર ચલાવતા હતા અગાઉ નામ આપ્યું તે ડ્રાઇવર નહોતો. અકસ્માતની ઘટનામાં પ્રવિણસિંહે પોતે કાર ચલાવવાનો દાવો કર્યો છે. ન્યારી ડેમ પાસે સર્જાયેલ અકસ્માતમાં 21 તારીખે ફરિયાદ દાખલ થઈ હતી. ક્રિશ મેર દ્વારા આ ઘટનામાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. આ કેસમાં કોઇ ધરપકડ થઇ નથી તેમજ હજુ સુધી આ કેસમાં કોઇ નિવેદન પણ નોંધવામાં આવ્યું નથી.
ડ્રાઈવર બદલાયા હોવાની વાત ખોટી
પોલીસે કારનો માલિક રાજેશ મહેતા હોવાનો ખુલાસો કર્યો અને રાજેશ મહેતાના પુત્ર પણ કારમાં હોવાનું જણાવ્યું. આ ઘટનામાં અકસ્માત બાદ ડ્રાઈવર બદલાયા હોવાની વાત ખોટી છે. જો તેમની વાતમાં તથ્ય હોય તો અમને જાણ કરે. પોલીસ સીસીટીવીના આધારે જ તપાસ કરી રહી છે અમારી પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ નથી આવ્યા જેમાં એવું સામે આવ્યું હોય કે ડ્રાઈવરની અદલાબદલી થઈ છે.
આ કેસમાં PSIનો કોઈ રોલ નથી
અકસ્માતમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તપાસનીશ અધીકારી સામે આરોપ લાગ્યા બાદ તેમની પાસેથી તપાસ લઈ અન્ય અધિકારીને સોંપવામાં આવી છે. નોંધનીય છે કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 21 તારીખે અકસ્માતની ફરિયાદ નોંધાઈ હતી. ન્યારી ડેમ અકસ્માતમાં ક્રિશ મેર દ્વારા લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પ્રવીણભાઈ બચુભાઇ જાડેજા દ્વારા ચલાવવામાં આવતી નેકસોન કારે બાઇકને અડફેટે લીધું હતું. જેના બાદ પ્રવીણભાઈ જાડેજાએ પણ પોલીસ સ્ટેશન આવી કબુલ્યું હતું કે તે પોતે કાર ચલાવતા હતા. 21 તારીખે ફરિયાદ દાખલ થઈ જેમાં 22 તારીખે cctv ફૂટેજ પોલીસને આપ્યા છે.આ કેસમાં PSIનો કોઈ રોલ નથી ફરિયાદીએ જેનું નામ આપ્યું તેની સામે જ ગુનો નોંધવામાં આવ્યો છે.