બનાસકાંઠાના ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં 21 લોકોના મોત થયા હતા, ત્યારે આ અગ્નિકાંડના આરોપી પિતા-પુત્રની પોલીસે ધરપકડ કરી હતી અને આજે પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા છે. તપાસ અધિકારીએ કોર્ટમાં સતત 3 કલાક સુધી દલીલ કરી અને તપાસ અર્થે કોર્ટમાં આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગ કરી પણ કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


પોલીસે આરોપીઓની મદદ કરનારને ઝડપી પાડ્યો

તમને જણાવી દઈએ કે અગ્નિકાંડના આરોપી ખુબચંદ મોનાણી અને દીપક મોનાણીની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે ઈડરથી આરોપીને ઝડપી લીધો હતો. બીજી તરફ ડીસા અગ્નિકાંડમાં વધુ એક આરોપીની અટકાયત પણ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની મદદ કરનારને ઝડપી પાડ્યો છે. ભિલોડાના સોનુની પોલીસે અટકાયત કરી છે. સોનુએ આરોપી દીપક મોનાણીને મોબાઈલ આપ્યા હતા.

ડીસા બ્લાસ્ટ કેસના આરોપીનું ભાજપ સાથે કનેક્શન

ત્યારે એવી પણ ચર્ચાઓએ જોર પક્ડયું છે કે ડીસા બ્લાસ્ટ કેસના આરોપીનું ભાજપ સાથે કનેક્શન છે. દિપક સિંધી ડીસા શહેર ભાજપ યુવા મોરચામાં મંત્રી હતો અને હાલમાં પણ દિપક ભાજપનો પ્રાથમિક સભ્ય છે. આરોપી 2014-17માં યુવા ભાજપનો મંત્રી પણ રહી ચૂક્યો છે. તપાસ ટીમ પર ભાજપ નેતાએ દબાણ કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અધિકારીઓને દબાવનાર નેતા કોણ છે તેની ચર્ચા થઈ રહી છે.

ડીસા ગ્રામ્ય મામલતદાર વિપુલ બારોટ ફરિયાદી બન્યા

ડીસામાં ગેરકાયદેસર ચાલી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 મજૂરોના મોત નીપજવાની ઘટનાએ સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે. જોકે આ સમગ્ર બાબતમાં ગુજરાત સરકાર પોતાની નામોશી છુપાવી રહી હોવાની વિગતો ધ્યાને આવી રહી છે. બ્લાસ્ટ કેસમાં પોલીસે એફઆઇઆર પણ જાહેર કરી નહોતી. ત્યારે સરકાર પર દબાણ વધતાં તેમ જ મીડિયામાં આ અંગેના અહેવાલો છપાતા આખરે પોલીસે એફઆઈઆર જાહેર કરી હતી. ડીસા મામલતદાર વિપુલ બારોટ ફરિયાદી બન્યા હતા.

21 નિર્દોષ લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ

જ્યારે ફેક્ટરી માલિક દિપક ખૂબચંદભાઈ મોનાણી તેમજ ખૂબચંદભાઈ રેણુમલ મોનાણીના આરોપી તરીકે નામ જોગ તેમજ તપાસમાં જે નીકળે તેની સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દિપક ટ્રેડર્સ નામના ગોડાઉનના માલીક ખુબચંદભાઇ રણુમલ મોનાણી તથા તેમના દિકરા દિપકભાઇ ખુબચંદભાઇ મોનાણી પોતાના ગોડાઉનમાં ફાયર સેફટીના પુરતા સાધનો ન રાખી સદરહું ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો મોટો વિસ્ફોટક જથ્થો રાખી તેમજ વિસ્ફોટક જથ્થાથી મોટી જાનહાની થવાનું જાણતા હોવા છતાં ગોડાઉનમાં કામ કરતા લોકોની સલામતી માટે કોઇ ફાયર સેફટીની વ્યવસ્થા ન રાખવાના કારણે 21 વ્યક્તિના મોત નિપજાવી સાપરાધ મનુષ્ય વધ કરી તેમજ ઇજા પામનારોને આ વિસ્ફોટથી ઈજાઓ કરી ગુનો કર્યો છે.

  • Follow us on: