ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં સ્થિત આતંકવાદી છાવણીઓ પર હુમલો કરીને પહલગામ હુમલાનો જવાબ આપ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે સ્થિતિ વણસી હતી અને પાકિસ્તાને ભારતના શહેરો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતાં. જેમાં ગુજરાતની કચ્છ બોર્ડર પર પાકિસ્તાન દ્વારા ડ્રોન છોડવામાં આવ્યા હતાં. આ અંગે BSF દ્વારા પત્રકાર પરિષદ કરી જાણકારી આપવામાં આવી હતી. BSFના IG અભિષેક પાઠકે BSF દ્વારા થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરી હતી.
પાકિસ્તાને ગુજરાતની બોર્ડર પર ટેન્કો સહિતની સામગ્રી ગોઠવી હતી
BSFના IG અભિષેક પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઈનપુટ મળ્યા બાદ ગુજરાતના સરહદી પોઈન્ટ પર ટેન્ક સહિતની સામગ્રી તૈયાર હતી અને BSF દ્વારા સર્વેલન્સ શરૂ કરાયુ હતું. બોર્ડર પર મેક્સિમમ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું. એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતાં. જેનો બીએસએફના જવાનોએ સરહદ પર રહી સામનો કર્યો હતો. ગુપ્તચર શાખાને જાણવા મળ્યું હતું કે, પાકિસ્તાને ગુજરાતની બોર્ડર પર ટેન્કો સહિતની સામગ્રી ગોઠવી દીધી છે.
સરહદ પર વધુ સૈનિકોને તૈનાત કરાયા હતાં
ત્યારબાદ ગુજરાત બોર્ડર પર દુશ્મનને જવાબ આપવા માટે તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ ટેકનિકના શસ્ત્રો અને સર્વેલન્સ સાધનો ગોઠવી દેવાયા હતાં. સરહદ પર વધુ સૈનિકોને તૈનાત કરાયા હતાં. પાકિસ્તાન દ્વારા 600થી વધુ ડ્રોન કચ્છ સહિતના સરહદી વિસ્તારમા મોકલવામાં આવ્યા હતાં. જેને સેનાએ તોડી પાડ્યા હતાં. યુદ્ધની સ્થિતિમાં BSFના ડિરેક્ટર જનરલે ક્રીક વિસ્તારની મુલાકાત લીધી અને ત્યાં હાજર સૈનિકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સૈનિકોનું મનોબળ વધારવા સતત સરહદી વિસ્તારમાં ઉભી કરાયેલી ચોકીઓની મુલાકાત લીધી હતી.