ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વધુ એક પરીક્ષા રદ કરવામાં આવી છે. નાયબ ખેતી નિયામક વર્ગ-1ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાતા પરીક્ષા બાદ ઉમેદવારોએ GPSCમાં રજૂઆત કરી હતી. હવે બંને ભરતીની સંયુક્ત પરીક્ષા 28 ઓગસ્ટે લેવાશે.


ઉમેદવારોની રજૂઆતના પગલે તપાસ કરાઈ હતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જણાવાયું છે કે, ગત 27 મે 2025ના રોજ લેવાયેલી નાયબ ખેતી નિયામક /જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1ની પરીક્ષા અંગે 28 મેના રોજ ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે, આ પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-૧ Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક -2 Fundamentals of Agriculture Volume-2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પુછવામાં આવ્યાં છે. ઉમેદવારોએ કરેલી રજૂઆતની તપાસ કરતાં તેમની રજૂઆત સાચી ઠરી હતી.

28 ઓગસ્ટ 2025ના રોજ પરીક્ષા લેવાશે

જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત આગામી 31 મેના રોજ લેવાનારી મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોવાથી તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી આ બન્ને ભરતી માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે 28 ઓગસ્ટ 2025ના રોજ લેવામાં આવશે.તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.


  • Follow us on: