ગુજરાતમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. અમદાવાદના ચંડોળામાં મેગાડિમોલિશન બાદ રાજ્યમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. તંત્ર દ્વારા સુરત, અમદાવાદ, રાજકોટ અને નડિયાદમાં દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાસ કરીને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં છે. અમદાવાદના બાપુનગરના અકબરનગરમાં આજે 400થી વધુ છાપરાં અને નાનાં-મોટાં કાચાં-પાકાં મકાનો પર બુલડોઝર ફેરવવાની શરૂઆત કરાઈ હતી.
સુરત અને નડિયાદમાં દબાણો દૂર કરાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના ઉધનામાં સરકારી જમીન પર ગેરકાયદે ત્રણ માળની બિલ્ડિંગ બાંધી દેવાઈ હતી. અહીં 36 હજાર ચો.મી જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરાયું હતું. દિનેશ પટેલ નામનો શખ્સ બિલ્ડિંગ બનાવી ભાડુ કમાતો હતો. આ બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 100થી વધુ ઝૂંપડા પણ તોડી પડાયા છે. ખેડાના નડિયાદમાં કાંસ ઉપરના ગેરકાયદે દબાણો તોડી પડાયા હતાં. 200થી વધુ દબાણ કરનારાઓને નોટીસો અપાઈ હતી. ત્યાર બાદ પણ દબાણો દૂર નહીં કરતા આજે 50થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યાં છે.
રાજકોટ અને ધોરાજીમાં પણ બુલડોઝર ફરી વળ્યુ
રાજકોટમાં પણ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. નોટીસો આપ્યા બાદ પણ દબાણો દૂર નહીં કરાતા કાર્યવાહી કરવામાં આવી છે.શહેરના પુનીતનગરમાં ગેરકાયદે બાંધકામ અને શેડ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16માં પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યાં છે. ધોરાજીમાં પણ રેવન્યુ વિભાગ હસ્તકની જમીન પર કરવામાં આવેલા દબાણો દૂર કરાયા છે. સ્ક્રેપના ધંધાર્થીઓએ લારી અને કેબિન મૂકીને દબાણ ઉભું કર્યું હતું. અહીં 17 હજાર ચો.મી જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યાં છે અને 18.70 લાખની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.