મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, મુંબઈ, નવી મુંબઈ, થાણેમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આગામી 24 કલાક મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પાલઘર, રાયગઢમાં પણ ભારે વરસાદ થઈ શકે છે સાથે સાથે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે અને મુંબઈમાં ગઈકાલે પણ અનેક વિસ્તારમાં થયો હતો વરસાદ.
સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે વરસાદ
સાબરકાંઠા પંથકના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો હતો તો ગાંધીનગરથી નજીક આવેલા પ્રાંતિજ અને હિંમતનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો, લોકોને ગરમીથી રાહત મળી હતી.
દહેગામમાં મોડી રાતથી વરસાદ
દહેગામમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી, તો કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પણ પહોંચ્યું હતુ.
વડોદરાના શિનોરમાં વહેલી સવારે વરસાદ
વડોદરાના ગ્રામ્ય વિસ્તાર શિનોરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે,અવાખલ, સાધલી, સુરાશાળ, ઉતરાજ, તેરસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.
આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે વરસાદ
આણંદના ઉમેરઠ પંથકમાં પણ મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે, સુરેલી, સુંદરપુરા, લીંગડા, થામણા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે.
ખેરાલુ પંથકમાં મોડી રાત્રે વરસાદ
ખેરાલુ પંથકમાં અચાનક વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો હતો, ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો, ઉનાળાના પાકો જેવા કે બાજરી, જુવાર, મગફળીને નુકસાન જવાની ભીતી ખેડૂતોને સેવાઈ હતી, દિવસભર ઉકળાટ બાદ કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તો ભારે પવનના કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાઈટો ડુલ થઈ ગઈ હતી.