દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાં આવેલા પ્રતિબંધિત ટાપુ પર ગેરકાયદેસર પ્રવેશ કરવાના મામલે પોલીસે 6 માછીમારો સામે કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપ્યા છે.


હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ છે. તેવામાં સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્રારા દરિયામાં પેટ્રોલીંગ દરમ્યાન પ્રતિબંધિત સફી ઢોરા પાસે બોટ લાંગરી માછીમારી કરતા 6 ઈસમો ઝડપાયાના સમાચાર સામે આવ્યા છે. આ 6 માછીમારોએ અલ અક્સા નામની ફિશિંગ બોટ ટાપુ પાસે લાંગરી દરિયાના પાણીમાં ફીશીંગ ઝાળ નાંખી ટાપુપર અનઅધિકૃત પ્રવેશ કર્યો હતો. થોડા દિવસો પેહલા જ સાત ટાપુઓ પરથી ગેર કાયદેસર બાંધકામો પણ દૂર કરાયાં છે.

ભૂતકાળમાં આ નિર્જન ટાપુઓ પર દેશ વિરોધી પ્રવૃતિઓ કરવામાં આવતી હતી જેને લઇ દ્વારકા જિલ્લાના 21 જેટલા નિર્જન ટાપુઓ પર માનવ પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્જન ટાપુઓ પર જવા પ્રતિબંધ છે. સલાયા બંદરના આ ઈસમો પ્રતિબંધિત સમુદ્રી ખારા મીઠા ચુસના ટાપુ પર ગયા હોવાની વાત સામે આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

  • Follow us on: