ગુજરાતના દ્વારકા મંદિરમાં હોળી ઉત્સવ પર ઇતિહાસમાં પ્રથમ વખત વિશેષ આયોજન હાથ ધરાયું.આગામી હોળી અને ધુળેટીના તહેવારને લઈને રણછોડરાના જગતમંદિર દ્વારકામાં આખા મંદિરને લાઈટીંગથી શણગારવામાં આવ્યું. મંદિરમાં કરવામાં આવેલ વિશેષ લાઈટિંગનો નજારો જોઈ શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી. મંદિરમાં શ્રદ્ધાળુઓની વધતી ભીડને લઈને સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિર ખાતે હોળાષ્ટકની સાથે જ હોળી ધૂળેટી ઉત્સવ શરૂ થાય છે દરરોજ સવારે શ્રીજી ભક્તો ઠાકોરજીને અબીલ ગુલાલ ઉડાવી હોળી ધૂળેટી રમી શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે જેમ જેમ હોળી નજીક આવે તેમ તેમ લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા ખાતે પહોંચે છે જેમાં સૌથી વધારે સંખ્યા પગપાળા આવતા શ્રદ્ધાળુઓની હોય છે પગપાળા આવતા શ્રદ્ધાળુઓની તમામ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે તેની સાથે સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા રોડ પર કેમ્પ લગાવી જમવા ખાવા પીવા અને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે.
મંદિરની શોભમાં વધારો
દ્વારકા મંદિરમાં હોળી-ધુળેટી તહેવાર પર ભક્તોનો ભારે ધસારો રહે છે. તેમજ પગપાળા આવતા હજારો યાત્રાળુઓ માટે જુસ્સો વધારવા તંત્ર દ્વારા નવીન પહેલ કરવામાં આવી. ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ફૂલ ડોલઉત્સવમા શ્રી દ્વારકાધીશ મંદિર પર લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું. અત્યાર સુધી કૃષ્ણ જન્માષ્ટમીમાં મંદિર પર લાઈટિંગ કરવામાં આવતી હતી પરંતુ આ વખતે હોળી-ધુળેટી તહેવાર પર મંદિરમાં લાઈટીંગ કરવાનો નિર્ણય કરાયો. આ નિર્ણયથી જગતમંદિરની શોભામાં અભૂતપૂર્વ વધારો થશે. અન્ય વહીવટી સુવિધાઓ માટે મંદિર વ્યવસ્થાપન સમિતિ અને વહીવટદારની પૂર્વ તૈયારીઓ સાથે ભક્તોની સેવા માટે તંત્ર સજ્જ છે.
મંદિરમાં હોળી-ધુળેટી તહેવારની ઉજવણી
ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં દ્વારકા મંદિરનો સમાવેશ થાય છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જુનુ છે. વર્ષો જૂના અને હિંદુઓના આસ્થાનું પ્રતિક એવા રણછોડરાયના મંદિરમાં જન્માષ્ટમી બાદ હોળી અને ધુળેટીના તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દ્વારકામાં આ તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની મોટાપાયે ઉજવણી થાય છે. અંબાજી મંદિરમાં જેમ ભાદરવા પૂનમે માતાના દર્શન કરવાનું માહાત્મય છે તેમ દ્વારકામાં પણ હોળી તહેવાર દરમિયાન ભક્તો પગપાળા યાત્રા કરી ભગવાન કૃષ્ણના દર્શનનો લહાવો લે છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રાજ્યમાં અનેક સ્થાનો પરથી પગપાળા સંઘ નીકળે છે, અને હોળી અને ધુળેટીના દિવસે ત્યાં પંહોચે છે. તો કેટલાક ભક્તો સમયની વ્યસ્તતાને લઈને વાહન દ્વારા મંદિર પંહોચી દ્વારકાધીશના દર્શન કરે છે. હોળી અને ધુળેટી દરમિયાન રણછોડરાયના મંદિર દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાતં પગપાળા આવતા સંઘ માટે પણ માર્ગો પર જે - તે ગામના લોકો અને તંત્ર દ્વારા ભોજન અને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સેવા એ જ પરમો ધર્મને સાર્થક કરતા કેટલાક લોકો દ્વારા પદયાત્રીઓને મસાજ કરવાની પણ સુવિધા આપવામાં આવે છે.