વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન 2025 ગુરૂવારે “એક પેડ માં કે નામ 2.0” અંતર્ગત ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતૃવન-વન કવચમાં વૃક્ષારોપણ કરશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં 17.48 કરોડના રોપાના વાવેતરની સિદ્ધી સાથે દેશભરમાં ગુજરાત બીજા સ્થાને આવ્યુ છે. પીએમ મોદીએ પૃથ્વીને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરાવી હતી. આ શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂન 2024થી શરુ કરવામાં આવી હતી.


પર્યાવરણ જાળવણી માટે ઉત્તમ પગલું

કચ્છમાં સૌથી વધુ 2.95 કરોડ રોપા વાવવામાં આવ્યા છે. 33 જિલ્લામાં ગ્રામીણ વિસ્તારમાં કુલ 1.76 કરોડ અને શહેરી ક્ષેત્રોમાં 15.72 કરોડ રોપા જનભાગીદારીથી રોપવામાં આવ્યા છે. અભિયાનની દેશવ્યાપી પ્રગતિનું નિરીક્ષણ વૃક્ષારોપણના જીઓ ટેગ કરેલા ફોટો-વિડિયો “મેરી લાઈફ” પોર્ટલ પર અપલોડ કરી કરવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન 4 મિલિયન ટ્રીઝ-2025નો આરંભ 'સિંદૂર વન' નિર્માણથી કરવામાં આવશે. 'ઓપરેશન સિંદૂર'ની સફળતાની સ્મૃતિ ચિરંજીવ રાખવા 551 સિંદૂરના વૃક્ષો સિંદૂર વનમાં વાવવામાં આવશે. પીએમે દેશવાસીઓને પોતાની માતાઓ માટેના પ્રેમ, આદર અને સન્માનના પ્રતિકરૂપે એક વૃક્ષ વાવવા અને ધરતી માતાનું ગ્રીન કવર વધારવા 2024ના વિશ્વ પર્યાવરણ દિવસે આહવાન કર્યું હતું. આ અભિયાનને 5 જૂન 2025ના રોજ એક વર્ષ પૂર્ણ થશે. પીએમ મોદીએ સ્વયં નવી દિલ્હીમાં બુદ્ધ જયંતી પાર્કમાં પીપળાના વૃક્ષના વાવેતરથી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. “એક પેડ માં કે નામ” અંતર્ગત સમગ્ર દેશમાં 140 કરોડ રોપાના વાવેતરનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું હતું. દેશભરમાં વ્યક્તિઓ, સંસ્થાઓ, સમુદાય આધારિત સંસ્થાઓ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓએ લોકભાગીદારી જોડીને આ અભિયાનને જન આંદોલન બનાવ્યું છે.

“એક પેડ માં કે નામ” અભિયાન

સીએમ ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતે “એક પેડ માં કે નામ” અભિયાનમાં 17 કરોડ 48 લાખ રોપાના વાવેતરથી દેશના રાજ્યોમાં આ અભિયાનની લક્ષ્યાંક સિદ્ધિમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પીએમ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા આ “એક પેડ માં કે નામ” અભિયાનમાં સમગ્ર ગુજરાતે વ્યાપક પ્રતિસાદ આપીને શહેરી વિસ્તારમાં 15.72 કરોડ તથા ગ્રામ્ય ક્ષેત્રોમાં 1.76 કરોડ રોપાઓનું વાવેતર જનશક્તિને જોડીને કર્યું છે. કચ્છ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત સૌથી વધુ 2 કરોડ 95 લાખ રોપા વાવવામાં આવ્યા છે. પીએમ મોદીએ “એક પેડ માં કે નામ” અભિયાન સાથોસાથ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગાઢ વન નિર્માણ માટેની પદ્ધતિથી માતૃ વન-વન કવચ તૈયાર કરવાનું પણ આહવાન કર્યું છે.

'સિંદૂર વન' નિર્માણનો પ્રારંભ

પીએમ મોદીના નેતૃત્વ અને ભારતીય સેનાના જવાનોના શૌર્યથી સફળ થયેલા “ઓપરેશન સિંદૂર”ની સ્મૃતિ લોકોમાં સદા જીવંત રાખવા ગુરૂવાર, પાંચમી જૂન 2025ના વિશ્વ પર્યાવરણ દિવસે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા મિશન 4 મિલિયન ટ્રીઝ 2025 અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'સિંદૂર વન' નિર્માણનો પ્રારંભ થશે. આ હેતુસર, અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વિસ્તારમાં જગતપુર બ્રિજ પાસેના પ્લોટમાં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં સિંદૂરના 551 વૃક્ષોના સિંદૂર વન સહિત 12 હજાર વૃક્ષો સાથેનો ઓક્સિજન પાર્ક ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત આગામી ગુરૂવારે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવો ગાંધીનગરમાં નવા સચિવાલય પ્રાંગણમાં નિર્માણ થનારા માતૃવન વન કવચમાં વૃક્ષારોપણ કરશે.  

  • Follow us on: