દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં વીજ ટાવર પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. વીજ ટાવર ધરાશાયી થતાં 2 લોકોના મોત થયા છે. બજાણા ગામે વાડી વિસ્તારમાં ટાવરના વાયર ખેંચવાની કામગીરીમાં દરમિયાન આ મોટી દુર્ઘટના બની છે. વાયર ખેંચવાની કામગીરીમાં ટાવર ધરાશાયી થયું છે. ટાવર ધરાશાયી થતાં 2 પરપ્રાંતિય મજૂરના મોત થયા છે, ત્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે.
ખેડામાં બ્રિજ પરથી પટકાતા શ્રમિકનું મોત
બીજી તરફ ખેડાના મહુધા રોડ પર બિલોદરા બ્રિજ પરથી 40 ફુટ નીચે પટકાતા એક મજુરનું મોત થયું છે. હાલમાં બિલોદરા બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે સમારકામ દરમિયાન કોઈપણ સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બ્રિજ સમારકામ કામગીરી દરમિયાન મજુર બ્રિજ નીચે પટકાતા મોત થયું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મજૂરને સારવાર માટે 108માં સિવિલ હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે.
જામનગરમાં વીજશોક લાગતા આધેડનું મોત
ત્યારે જામનગરમાં પણ એક આધેડના મોતના સમાચાર સામે આવ્યા છે. જામનગરમાં હાઈટેન્શન વીજલાઈનમાં વીજશોક લાગતાં આધેડનું મોત થયું છે. એક કારખાનાની અગાસી ઉપર કામ કરી રહેલા આધેડને ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનમાં વીજશોક લાગતાં નીચે પટકાતાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું છે. હાઈ ટન્શન વીજલાઈનમાંથી વીજ શોક લાગતાં 55 વર્ષીય અજયભાઈ ભુવા નામના આધેડનું કરુણ મોત થયું છે. વીજ શોક લાગ્યા બાદ તેઓ અગાસી પરથી નીચે પટકાયા બાદ નીચે પડવાને કારણે તેમને શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ પણ થઈ હતી.