• નકલી ઓઈલનું મીની કારખાનું

  • બાતમીના આધારે કાર્યવાહી
  • બંને શખ્સોની અટકાયત કરાઈ

વડોદરા SOG ની ટીમે નકલી ઓઇલ વેચતા બે ભેજાબાજોને ઝડપી પાડ્યા છે અને બંને આરોપી નકલી ઓઇલની મીની ફેકટરી જ ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

તારીખ 29 નવેમ્બરના રોજ SOG ને બાતમી મળી હતી કે રાજમહેલ રોડ પર બે યુવાનો નકલી ઓઇલ વેચી રહ્યા છે. જેથી બાતમીને આધારે એસઓજીની ટીમે રાજમહેલ રોડ પરના મેદાન ફળિયામાં રેડ કરી હતી. જેમાં એક મકાનમાં રેડ કરતા અહીં ઓઇલના ડ્રમ મળી આવ્યા હતા અને ઓઇલનો ધંધો મોસીન મશકવાલા અને યાસીન મસકવાલા કરતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે એસઓજીની ટીમે આ બંને શખ્સોની અટકાયત કરીને તેમની કડક પૂછપરછ હાથ ધરી હતી, આ ઉપરાંત તમામ જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો હતો.

વડોદરા એસ.ઓ.જીની ટીમે બંનેની કડક પૂછપરછ હાથ ધરતા આ ઓઇલ નકલી હોવાનું આરોપીઓએ કબુલ્યું હતું અને આ મામલે વધુ તપાસ કરતા સ્થળ પરથી ઓઇલના પ્લાસ્ટિકના ડબ્બા, વિવિધ બ્રાન્ડેડ કંપનીઓના સ્ટીકર અને ઢાંકણ મળી આવ્યા હતા. જેથી એસ.ઓ.જી એ બંનેની ધરપકડ કરી 6 લાખથી વધુ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે પોલીસનું કહેવું છે કે કેસ કોપીરાઈટનો પણ કેસ બને છે જેથી જે કંપનીઓના સ્ટીકર મળ્યા છે. તે કંપનીઓનો સમ્પર્ક કરવામાં આવશે અને આમાં કોઈ કંપનીના કર્મચારીઓ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ કરાશે. મહત્વનું છે કે આ આરોપીઓ જી.એસ.ટી વગર નો માલ કહી છૂટક દુકાનદારોને સસ્તામાં વેંચતા હતા. જેથી આ મામલે પોલીસ ટીમ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે એવું નવી અપડેટ પ્રમાણે જાણવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ શખ્સો કેટલા સમયથી કોને નકલી ઓઇલ સપ્લાય કરે છે અને નકલી ઓઇલ ક્યાંથી આવે છે તે બાબતે પણ પોલીસ ટીમની તપાસ પછી જ વિશેષ જાણકારી સામે આવી શકે તેમ છે.


  • Follow us on: