- જૂનાગઢ જિલ્લામાં વધુ એક કૌભાંડ
- શ્રીજી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીનું કારનામું
- મેનેજમેન્ટે ફેરવ્યું સભાસદોના પૈસાનું ફૂલેકું
જુનાગઢ જિલ્લાની શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનું વધુ એક કરોડોનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં 4000 જેટલા સભાસદોના પૈસાનું ફૂલેકું ફેરવીને બ્રાન્ચ બંધ કરી દેતા સભાસદો એ હોબાળો મચાવ્યો હતો.
જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ ની ઝાંઝરડા રોડની બ્રાન્ચમાં તાળા લાગી જતા સભાસદો મૂંઝવણમાં મુકાયા હતા. જૂનાગઢ જિલ્લામાં 11 જેટલી બ્રાન્ચ ધરાવતા શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીની વધુ એક બ્રાન્ચને તાળા લાગ્યા છે છેલ્લા બે વર્ષથી બેંકના ચેરમેન 4000 જેટલા સભાસદોને તેના પૈસા પરત કરવાનું માત્ર આશ્વાસન જ આપી રહ્યા છે પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી ખાતેદારોએ આજે ઝાંઝરડા રોડની બ્રાન્ચમાં હંગામો મચાવ્યો હતો.
આ મામલે વધુ જાણકારી અનુસાર આ કોઓપરેટિવ સોસાયટીના ખાતેદારોના કરોડો રૂપિયાનું અહીંના મેનેજમેન્ટ દ્વારા ફૂલેકું ફેરવાયું છે. લગભગ 4000 જેટલા સભાસદોએ પોતાની જીવનમૂડીને બચત તરીકે આ સોસાયટીમાં જમા કરાવી જીવનના પાછલા દિવસોમાં કામ લાગશે એ આશાએ રાખી મૂક્યા હતા. આ ઉપરાંત અમુક ખાતેદારોની થાપણો તેમના કોઈ મહત્વના પ્રસંગોને ધ્યાને રાખીને ભવિષ્યના આયોજન માટે રાખી હતી. જો કે હવે આ તમામ સભાસદોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેમ કે છેલ્લા 2 વર્ષથી આ બેંકના ચેરમેન દ્વારા થાપણદારોને તેમના રોકાણના પૈસા પરત કરવાનું માત્ર આશ્વાસન જ મળ્યું છે. એ સિવાય પોતાની જમા રકમના પૈસામાંથી તેમને તેમની રકમ અને તેનું વ્યાજ પરત ચૂકવાયું ન હોવાનું સામે આવ્યું છે.
મહત્વનું છે કે આ મામલે હવે એવો દાવો કરાઈ રહ્યો છે કે ખાતેદારોને ઊંચા વ્યાજની લાલચ આપી તેમને અંધારામાં રાખીને બેંકના ચેરમેન તેમજ તેના ડિરેક્ટરો દ્વારા તેમના પૈસાને સગેવગે કરી દેવામાં આવ્યા છે અને આમ આ સભાસદો સાથે તેમના પૈસાની છેતરપિંડી થઈ છે. આ સભાસદોને એવું લાગી રહ્યું છે કે તેમના કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દેવામાં આવ્યું છે આ ચાર હજાર સભાસદોમાં મજૂરી કામ કરતા લોકો તેમ જ નિવૃત્ત કર્મચારી અને ખેડૂતોના પૈસા ફસાયા હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી દ્વારા અલગ અલગ બ્રાન્ચમાં કરોડોનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે જેની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. તેથી લોકોની માગણી છે કે તંત્ર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરીને લોકોને તેમની જીવનમૂડી પરત કરાવવામાં આવે અને આ કાવતરાખોરો પર સખત એક્શન લેવામાં આવે.