- વિદેશમાં તાલીમ માટે એક કરોડથી વધુનો ખર્ચ થાય છે
- 100 વિદ્યાર્થીઓ પાયલોટની તાલીમ મેળવી શકે એ પ્રકારની તૈયારી
- પાયલટ બનવા માંગતા વિદ્યાર્થીઓને ઘર આંગણે તાલીમ
સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ ભાવનગરથી પાયલટ ટ્રેનિંગ સ્કૂલનો પ્રારંભ થશે. આગામી દિવસોમાં અતિ આધુનિક સુવિધાથી સજજ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થઈ જશે. તેમાં 100 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી શકાય તે પ્રકારનું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ ચૂક્યું છે અને હાલ ૩ વિમાનો પણ ટ્રેનિંગ સેન્ટર ખાતે આવી પહોંચ્યાં છે.
પાયલટ બનવા માંગતા વિદ્યાર્થીઓને ઘર આંગણે તાલીમ
હવે માત્ર ગુજરાત જ નહિ દેશ ભરના પાયલટ બનવા માંગતા વિદ્યાર્થીઓને ઘર આંગણે તાલીમ મળી રહેશે. સાથે જ આગામી સમયમાં દેશમાં ઉભી થનારી પાયલોટની ઘટ પણ ઓછી થશે. ભાવનગરના વિમાની મથક ખાતે ડ્યુન્સ એવીએશન એકેડેમી દ્વારા પાયલોટ ટ્રેનિંગ એકેડમીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગર વિમાની મથકે દિવસમાં માત્ર બે જ ફલાઇટ આવતી હોય અહી રનવે ખાલી હોવાથી વિદ્યાર્થીઓ લાંબા સમય સુધી વિમાન ઉડાવવાની પ્રેક્ટિસ કરી શક્શે. આમ તો ગુજરાતના મહેસાણા અને બરોડામાં પણ ટ્રેનિંગ સેન્ટર છે, પરંતુ ભાવનગર એરપોર્ટ અતિ આધુનિક સુવિધાથી સજ્જ હોવાથી વિદ્યાર્થીઓને વધુ ફાયદો થશે.
30 થી 40 લાખમાં વિદ્યાર્થી પાયલોટ બની શકશે
ડ્યુન્સ એવિએશન એકેડમી દ્વારા હાલ તાલીમ માટે 3 નાના વિમાનો લાવવામાં આવ્યા છે, અને આગામી દિવસોમાં વધુ 10 વિમાન આવશે. જેથી વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકશે. ડ્યુન્સ એકેડમિના એમ.ડી. નવનીત અગ્રવાલે જણાવ્યું હતું, કે વિદેશમાં તાલીમ માટે એક કરોડથી વધુનો ખર્ચ થાય છે, જ્યારે અહી 30 થી 40 લાખમાં વિદ્યાર્થી પાયલોટ બની સપનું સાકાર કરી શકશે.
100 વિદ્યાર્થીઓ પાયલોટની તાલીમ મેળવી શકે એ પ્રકારની તૈયારી
ભાવનગર એરપોર્ટ ખાતે તમામ જરૂરી સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે ભાવનગર ગુજરાતનું પ્રથમ ટ્રેનિંગ સેન્ટર બનશે. અહી પ્રેક્ટીકલ અને પરફેક્ટ થિયરીકલ અભ્યાસ સાથે પાયલોટ તૈયાર કરવામાં આવશે. ભાવનગરમાં 100 વિદ્યાર્થીઓ પાયલોટની તાલીમ મેળવી શકે એ પ્રકારની તૈયારી થઈ ચૂકી છે. ત્યારે આગામી દિવસોમાં અહી પાયલોટ તૈયાર થતા હાલ જે દેશમાં પાયલોટની અછત છે તેમાં પણ ઘટાડો થશે. અહી પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બનવાથી ભાવનગર માટે એક નવા વિકાસના દ્વાર પણ ખુલશે. ભાવનગરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થાય તેના માટે સરકાર દ્વારા થયેલા પ્રયત્નો આવકારદાયક છે અને હવે ભાવનગરની ભુમી ઉપરથી દેશને નવા પાયલોટ મળશે તે નક્કી છે.