• કમોસમી વરસાદની ગુજરાતમાં આગાહી

  • 25થી 27 નવેમ્બર સુધી વરસી શકે છે વરસાદ
  • ધરતીપુત્રોની સરકારે વધારી હિંમત

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીને પગલે જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, માવઠાથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાત સરકાર ખેડૂતોની પડખે ઉભી છે.

દસક્રોઇ ખાતે યોજાયેલા રવી કૃષિ મહોત્સવમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને અત્યાર સુધી 10 હજાર કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. DAP ખાતરની અછત મુદ્દે પણ રાઘવજી પટેલે જણાવ્યું કે, DAP ખાતરનો જરૂરી જથ્થો ગુજરાત પહોંચી ચૂક્યો છે. ખાતર વિતરણ કેન્દ્રો પર DAP ખાતર ખેડૂતોને મળી રહેશે.

3 દિવસ વરસાદની આગાહી

તા. 26 અને 27 નવેમ્બરના રોજ વરસાદનું જોર વિશેષ રહે તેવી પૂરી શક્યતાઓ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સોમનાથ, વેરાવળ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બાબરા અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. આની સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે. આ વિષયમાં એવું પણ કહેવાયું છે કે 28 નવેમ્બર પછી આ વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતાઓ છે. આમ 3 દિવસ 25થી 27 નવેમ્બર સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા વધી જવા પામી છે.

ખેડૂતોની ચિંતા વધી

આ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રવિ સીઝનનો પાક લેતા ખેડૂતો માટે મોટી ચિંતા વધી જવા પામી છે. કારણ કે ખેતરોમાં ઉભેલા પાક વચ્ચે આ કમોસમી માવઠાની આગાહીના પગલે પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. જેના કારણે સરકારે પણ ખેડૂતોને આ સંકટના સમયમાં તેમની પડખે ઉભી હોવાનો ભરોસો આપ્યો છે. આ મામલે વધુ મોટી અને મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી જેવી વિવિધ જણસો ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમુક યાર્ડમાં ખુલ્લામાં પડેલો આ જથ્થો આ વરસાદમાં પલળીને સડી અથવા બગડી ન જાય તેના માટે ઘણાં માર્કેટિંગ યાર્ડ દ્વારા અગમચેતીના પગલાં તરીકે ખેડૂતોને તેમની જણસોને ઢાંકવા માટેની વ્યવસ્થા કરવાનું જણાવાયું છે. જેથી જગતના તાતને નુકસાન સહન કરવાનો વારો ન આવે.

ભાવનગરના ખેડૂતો ચિંતામાં

ભાવનગર યાર્ડમાં પૂરતી સુવિધા ન હોવાથી ખેડૂતો માવઠાની આગાહી વચ્ચે ખુલ્લામાં જણસી મુકવા મજબૂર બન્યા છે. જો માવઠું થશે તો ખેડૂતોનો બધો પાક પલળી જશે. ભાવનગર માર્કેટયાર્ડમાં જણસીની આવકનો પ્રતિબંધ મુક્યાની કોઈ જાહેરાત ન કરાતા ખેડૂતો કપાસ, ડુંગળી, મગફળી, ઘઉં અને ચણા સહિતનો પાક લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે પહોંચ્યા હતા. પરંતુ યાર્ડમાં પૂરતા શેડ સહિતની સુવિધા ન હોવાથી પાક ખુલ્લામાં મુકવાની નોબત આવી છે. જો માવઠું થશે તો પાક પલળી જશે અને ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે.

રવિ સીઝનમાં યુરિયાની અછતથી ખેડૂતો ચિંતામાં

પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે. રવિ સિઝનમાં ખેડૂતોએ મસમોટા ખર્ચ કરીને રાયડો, જીરૂ, ઘઉં અને એરંડા સહિતના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર તો કર્યું પરંતુ ખાતર નથી મળતું. હાલ ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે તેવામાં ખાતરની અછતથી ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાતર માટે ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ ખાતર મળતું નથી. જો સમયસર ખાતર નહીં મળે તો ઉત્પાદન પર મોટી અસર થશે અને ખેડૂતોને મોટાપાયે નુકસાન થશે. જેથી ખેડૂતો ફરીથી એક વખત પાયમાલ થશે. ખેડૂતોને દર વર્ષે રવિ સિઝનમાં જ ખાતર નથી મળતું. તેમ છતાં કૃષિ વિભાગ ખેડૂતોની માટે કોઈ નક્કર કામગીરી નથી કરતું. ખેડૂતોએ વાવેતર કરીને પિયત પણ કર્યું પણ ખાતરની અછત છે જેથી ખેડૂતોમાં ભારે રોષ છે. વહેલીતકે ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતોએ માગ કરી છે.

ખેડૂતોને સતર્ક કરાયા

આજે તા. 24 થી 28 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.ત્યારે રાજ્કોટ, ડીસા સહિતના શહેરોમાં માવઠાની આગાહીને લઈ ખેડૂતો યાર્ડમાં પોતાનો માલ વેચવા આવે તો તાડપત્રી ઢાંકી અને સુરક્ષિત રાખે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ વેપારીઓ પણ ખેડૂતોનો માલ સુરક્ષીત અને ઢાંકી રાખે તેવી સૂચના એપીએમસી દ્વારા અપાઈ છે. તેમજ ખેડૂતો પોતાનાં ખેતરમાં ખુલ્લામાં પડેલા ઘાસચારાને અન્ય માલને ઢાંકે તેવી સૂચના પણ આપવામાં આવી છે.


  • Follow us on: