• જમ્મુ કાશ્મીરમાં વરસાદની આગાહી

  • દિલ્હીમાં ઠંડીની સાથે ધુમ્મસનું પ્રમાણ વધ્યું
  • કેરળમાં હળવો વરસાદ પડ્યો

આગામી 24 કલાક દરમિયાન જમ્મુ-કાશ્મીર સહિત 7 રાજ્યમાં વરસાદ પડી શકે છે. છેલ્લા 5 દિવસમાં પ્રથમ વખત કાશ્મીરમાં ગુરુવારે પારો 0.9 ડીગ્રીથી ઉપર રહ્યો હતો. પહેલગામ અને અનંતનાગમાં માઈનસ 3.3 ડીગ્રી સાથે સૌથી ઠંડું નોંધાયું હતું. IMDએ આગામી સપ્તાહથી ઉત્તર ભારતમાં ઠંડી વધવાની આગાહી કરી છે.

જ્યારે ગુલમર્ગમાં માઈનસ 2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કોકરનાગ, કુલગામ, કુપવાડા જેવા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી 1.7 ડીગ્રી વચ્ચે રહ્યું હતું. સ્કાયમેટ અનુસાર, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી-NCRનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર શ્રેણીમાં રહેશે.

હવામાન ખાતાની આગાહી

IMDના વૈજ્ઞાનિક સોમા સેન રોયે કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરમાં ટૂંક સમયમાં હળવી હિમવર્ષા થઈ શકે છે. 26-27 નવેમ્બરે તોફાન અને કરાં પડવાની પણ શક્યતા છે. એ જ રીતે આ સમયગાળા દરમિયાન મધ્ય ભારતમાં કરાં પણ પડી શકે છે. ઠંડીની સાથે સાથે દિલ્હીમાં પણ સ્મોગ વધવા લાગ્યું છે. રાજધાની દિલ્હીની હવા શુક્રવારે ફરી એકવાર ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. રાજધાનીના એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 388 હતો. ઘણા વિસ્તારોમાં AQI 400થી વધુ નોંધાયું હતું. પુસામાં AQI 403, IIT દિલ્હીમાં 579, લોધી રોડ વિસ્તારમાં 359 નોંધાયું હતું. દિલ્હી યુનિવર્સિટી વિસ્તાર અને એરપોર્ટ (ટર્મિનલ-3) વિસ્તારમાં AQI 386 અને 398 નોંધાયા હતા. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, આનંદ વિહારમાં AQI 411 હતો. આલીપોર, વઝીરપુર અને આરકેપુરમમાં 'ગંભીર' શ્રેણીમાં 432, 443 અને 422નો AQI નોંધાયો હતો.

તામિલનાડુમાં વરસાદની શક્યતા

તામિલનાડુમાં છેલ્લા બે દિવસથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરુવાર અને શુક્રવારે કોઈમ્બતોર જિલ્લાના મેટ્ટુપલયમ વિસ્તારમાં 373 મિમી અને નીલગિરિમાં 369.9 મિમી વરસાદ નોંધાયો હતો. આ સીઝનનો અત્યારસુધીનો સૌથી વધુ વરસાદ છે. અનેક જિલ્લાઓમાં સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસ સુધી વાતાવરણ આવું જ રહેશે.

કેરળમાં પણ વરસાદ પડ્યો હતો

કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ થયો છે. આ સિવાય કર્ણાટક, લક્ષદ્વીપ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો હતો. સિક્કિમમાં એક-બે જગ્યાએ હળવો વરસાદ થયો હતો.હવામાન વિભાગે રાજસ્થાનના 6 જિલ્લા - ચિત્તોડગઢ, સિરોહી, ઉદયપુર, બાડમેર, જાલોર અને પાલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 26થી 28 નવેમ્બર દરમિયાન ભારે વરસાદ, કરાં અને 40થી 60 KMPHની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના

મધ્યપ્રદેશમાં ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈન સહિત વિવિધ જિલ્લાઓમાં 25થી 27 નવેમ્બર વચ્ચે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના ડૉ. વેદપ્રકાશ સિંહના જણાવ્યા અનુસાર, 28-29 નવેમ્બર પછી દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડી વધુ તીવ્ર બનશે.


  • Follow us on: